ગુજરાત

ગુજરાત ઉર્જા કર્મચારી હિતરક્ષક સમિતિ હવે સરકાર સામે મેદાનમાં : 26મીથી આંદોલન

Text To Speech

રાજ્યમાં હાલ જુદા-જુદા મંડળો દ્વારા આંદોલનો ચાલી રહ્યા છે. લાંબા સમયથી વિવિધ માંગણીઓને ધ્યાનમાં રાખી તેમજ લાંબા સમયથી પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા આખરે વીજ કર્મચારીઓ પૈકી ગુજરાત ઉર્જા કર્મચારી હિતરક્ષક સમિતિએ તાજેતરમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજિંગ ડિરેકટરને લેખીતમાં વિસ્તૃત રજૂઆત સાથે આંદોલન અંતર્ગત નોટિસ સ્વરૂપે જાણ કરી હતી જેના પગલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન કંપનીના ટેકનિકલ કર્મચારીઓ માટેના વર્ષોથી વણઉકેલ માંગણીઓ પરત્વે અવાર-નવાર રજૂઆત બાદ કોઇ નિરાકરણ ન આવતાં તા. 26 સપ્ટેમ્બરથી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના પગલે વર્ક ટુ રૂલ, કાળીપટ્ટી ધારણ કરવી, કચેરીએ સૂત્રોચ્ચાર અને તા. 17 ઓકટોબરના રોજ માસ સીએલનું એલાન આપવામાં આવ્યું છે.

અગાઉ અનેક રજૂઆત છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવ્યું

કર્મચારી હિતલક્ષી સમિતિ દ્વારા ટેકનિકલ કર્મચારીઓમાં અસંતોષ તેમજ રોષ ઉદ્ભવેલ છે. ઘણા લાંબા સમયથી ટેકનિકલ કર્મચારીઓના પડતર વણઉકેલ પ્રાણ પ્રશ્ર્નો એવી માંગણીઓની રજૂઆતો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તેમજ સરકારમાં કરવા છતા તેનો આજદિન સુધી કોઇજ ન્યાયિક ઉકેલ મળેલ નથી તો તેના લીધે સમિતિને નાછૂટકે તા. 26-9-22થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડેલ છે અને તેના લીધે કોઇપણ પ્રકારની ઔદ્યોગિક અશાંતિ સર્જાય કે આનાથી ઉદભવનાર તમામ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી સરકારની તેમજ મેનેજમેન્ટની રહેશે તેમ ગુજરાત ઉર્જા હિતરક્ષક સમિતિ દ્વારા ઉર્જા વિકાસ નિગમના એમ.ડી.ને લેખીતમાં જણાવ્યું હતુ.

શું છે વિરોધનો આખો કાર્યક્રમ ?

તા. 26-9ના મૌનવ્રત ધારણ કરી શહિદ થયેલ વીજ સૈનિકોને શ્રદ્ધાંજલિ, દરેક ઓફિસ, સબસ્ટેશન, વીજ મથક લેવલે., તા. 27-9-22થી 29-9 કાળીપટ્ટી ધારણ કરી કામ પર જવું તેમજ ઓફિસ સમય પહેલા ન્યાયિક માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કરવા, તા. 3-10-22થી 8-10-22 વર્ક ટુ રૂલ (પોતાની ફરજના સમય મુજબ આઠ કલાકથી વધારે કામ કરવા રોકાવું નહીં), તા. 10-10-22 ઓફિસ સમય પહેલા પોતાની ઓફિસ, સબસ્ટેશન, વીજ મથક લેવલે ધરણા પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર, તા. 17-10-22 માસ સીએલ (વડોદરા ખાતે મહારેલીનું આયોજન) કરાશે.

Back to top button