ગુજરાતટોપ ન્યૂઝવીડિયો સ્ટોરી

ગુજરાત મેડિકલ ટૂરિઝમના હબ તરીકે ઉભર્યું, 33 ટકાના દરે થઈ રહ્યો છે વિકાસ

ગાંધીનગર, તા.17 જાન્યુઆરી, 2025: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિવિઝનના નેજા હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર દ્વારા આયોજિત હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વસુધૈવ કુટુમ્બકમની ભાવના ઉજાગર કરીને વિશ્વ મિત્ર તરીકે ઉભરી આવ્યું છે. કોરોના મહામારીના વિકટ સમયમાં 100થી વધુ દેશોને વેક્સિન અને મેડિસીન પહોંચાડીને ભારતે પોતાની વિશ્વમિત્રની ભાવના વધુ પ્રબળ બનાવી છે.

હેલ્થ ડિપ્લોમસી સંવાદનો શું છે હેતુ

હેલ્થ ડિપ્લોમસી સંવાદનો મુખ્ય હેતુ ગ્લોબલ સાઉથ દેશોમાં ભારતીય નીતિઓ અને શ્રેષ્ઠ પ્રણાલીઓના સંભવિત યોગદાન પર ચર્ચા-મંથન કરવાનો છે. આરોગ્ય સુરક્ષા સુધારવા, ગરીબી ઘટાડવા અને સમાનતા વધારવા માટે ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે પરસ્પર સહયોગ સહિતના વૈશ્વિક આરોગ્ય મુદ્દાઓ પર આ સંવાદમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથના દેશોમાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં તેમજ ફાર્મસી રેગ્યુલેશન વર્કમાં સહયોગ પૂરો પાડી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંબંધી જટિલ સમસ્યાઓ વધી રહી છે તેના સમાધાન માટે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. આ વૈશ્વિક પડકારો અને તેના સમાધાનરૂપે ભારતની બેસ્ટ પ્રેક્ટીસીસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા માટે આ સંવાદને મુખ્યપ્રધાને યોગ્ય માધ્યમ ગણાવ્યું હતું.


અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં છે કાર્યરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રે દેશમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. દરેક વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ તે માટે પ્રિવેન્ટિવ હેલ્થ કેરને પ્રોત્સાહન, ગામડાઓમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ, શહેરોમાં મેડિકલ કોલેજ અને રિસર્ચ સંસ્થાઓની સ્થાપના જેવા મુદ્દે દેશમાં એકસાથે કામ થઈ રહ્યું છે. રાજ્યમાં હાલમાં આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ લોકોની આરોગ્ય સુખાકારી માટે કાર્યરત છે.

ગુજરાતની આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે, ભારત સરકારની થિંક ટેન્ક સંસ્થા નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં ગુજરાત સતત બે વર્ષોથી સારુ સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં પ્રથમ ક્રમે છે.

જરાત આજે મેડિકલ ટૂરિઝમના હબ તરીકે વિકસી રહ્યું છે

આરોગ્ય ક્ષેત્રે પાયાની સુવિધાઓ સાથે ગુજરાત આજે મેડિકલ ટૂરિઝમના હબ તરીકે વિકસી રહ્યું છે. રાજ્ય સરકારના આ પ્રયાસોના કારણે ગુજરાતના મેડિકલ ટૂરિઝમનો વિકાસ દર 33 ટકા વધ્યો છે. આ વિકાસ દર રાષ્ટ્રીય સ્તરે મેડિકલ ટૂરિઝમ વિકાસ દર કરતા 13 ટકાથી વધારે છે તેમ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું. આ સંવાદ વૈશ્વિક સ્તરે મેડિકલ તેમજ સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ સાથે સંકળાયેલા તમામ પડકારોના સમાધાન માટે મહત્વપૂર્ણ વિચાર-વિમર્શનો મંચ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.


ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાઓ વિશ્વસ્તરીય

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાઓ વિશ્વસ્તરીય બની છે. આરોગ્ય ક્ષેત્રે પણ સંશોધન કરતી એક અલાયદી સંસ્થાનો વિચાર બીજ પણ IIPH સ્વરૂપે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ રોપ્યો હતો ‌ જેનો મુખ્ય ઉદ્દેશ IIT , IIM જેવી સંસ્થાનું નિર્માણ કરવાનો હતો. આજે IIPH એ આરોગ્ય ક્ષેત્રે તેના સંશોધન કાર્ય થકી સમગ્ર દેશમાં નામના મેળવી છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

બાળ મૃત્યુદર ,માતા મૃત્યુદર, બિનચેપી રોગોના અટકાવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઈ સિવિલ હોસ્પિટલ સુધીની માળખાકીય સુવિધાઓનું સુદ્રઢ માળખું આજે ગુજરાતની ઓળખ બન્યું છે.જેના પરિણામે જ નીતિ આયોગ દ્વારા જાહેર થતાં આરોગ્ય વિષયક SDG ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે.

રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી રાજ્યના દુર્ગમ, પહાડી દૂરદરાજના વિસ્તારોમાં વસતા નાગરિકોને પણ સતત શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું ઋષિકેશ પટેલે કહ્યું હતું. આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસના પરિણામે વર્ષ ૨૦૪૭ પહેલાં જ ગુજરાત સમગ્ર દેશમાં મોડલ સ્ટેટ તરીકે ઉભરી આવશે તેઓ ભાવ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચોઃ Video: ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

Back to top button