કેમ પ્રથમ ચરણની 5 બેઠકો પર ભાજપ જાહેર નથી કરી શક્યું ઉમેદવાર ?
ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું. ત્યારે 182 બેઠકોમાંથી ભાજપે કુલ 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પણ હજી સુધી પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે, જેમાં 5 બેઠકો પર નામ જાહેર કરવાના હજી બાકી છે. જેમાં સુરત ચોર્યાસી, ધોરાજી, ભાવનગર પૂર્વ, કુતિયાણા અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે કહેવાય છે કે આ પાંચેય બેઠક પર કોકડુ ગૂંચવાયું છે.
આ પણ વાંચો : ભાજપના ક્યા ઉમેદવાર ક્યાંથી લડશે ચૂંટણી, જુઓ આખું લિસ્ટ
આ તરફ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. પહેલા ચરણમાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. આજે 11 નવેમ્બર થઈ ગઈ. ભાજપે 89 માંથી 84 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. હજી 5 બેઠકોના નામ હજી જાહેર થયા નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપની બીજી યાદી આવતીકાલે આવી શકે છે.
પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે. પરંતુ ભાજપે કેમ 5 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત બાકી રાખી તે મોટો સવાલ છે. કહેવાય છે કે, આ બેઠકો પર ઉમેદવારોના નામમાં ભારે મૂંઝવણ છે. પાર્ટી હાઈકમાન્ડ નામ પર અંતિમ મહોર મારી શકી નથી. ત્યારે 5 બેઠકો બાકી રાખવાથી અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
આ પણ વાંચો : ગુજરાત ભાજપ: નવાને તક આપવા જૂના જોગીઓ ઘરભેગા
ભાજપે નથી જાહેર કરેલી 5 બેઠકો પર હાલ MLA કોણ ?
1. ધોરાજી બેઠક લલીત વસોયા કોંગ્રેસ
2.ખંભાળિયા બેઠક વિક્રમ માડમ કોંગ્રેસ
3. કુતિયાણા બેઠક કાંધલ જાડેજા NCP
4. ભાવનગર પૂર્વ વિભાવરીબેન દવે ભાજપ
5. ચોર્યાસી સુરત ઝંખના પટેલ ભાજપ
આ સિવાયની અન્ય બેઠકોમાં પણ સર્વસહમત અને જીતી શકે તેવા ઉમેદવાર માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં હોવાનું જાણવા મળ્યું છે. આગામી 12 કલાકમાં ફરજિયાતપણે આ બેઠકો પર નામની જાહેરાત કરાય ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 69 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા છે. 36 ધારાસભ્યોની ભાજપે ટિકિટ કાપી છે. તેમજ 14 મહિલાઓને ભાજપે ટિકિટ આપીને લડાવવાનો નિર્ણય કર્યો છે.