કોણ મનાવશે રિસાયેલા નેતાઓને પણ તેનાથી મોટું નારાજ કાર્યકર્તાઓને કોણ ફરી જોડશે ?
ચૂંટણી જાહેરાત સાથે પાર્ટીના હાઈકમાન્ડનો માથાનો દુખાવો વધી ગયો હોય તેવું લાગ છે. કેટલાંક વરિષ્ઠ નેતાઓને તો પાર્ટીએ સમજાવી લીધા પણ કેટલાંક દંબગ નેતાઓ પાર્ટી સામે બાઠ ભીડી રહ્યા છે. આ વચ્ચે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે અને સાથે જ તેમના માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા થઈ રહી છે આ ઉપરાંત પક્ષપલટો કરીને આવતાં નેતાઓથી પક્ષમાં નારજગીનો મુદ્દો પણ “હમ દેખ રહે હૈ”. એ તમામ મુદ્દાઓની વાત પર અમે રાખી રહ્યા છે નજર. હમ દેખેંગે દ્વારા સમાચાર ઉપરાંતની કેટલીક આંતરિક વાતો તમારી સામે રજુ કરી છે જે તમારે મત આપવા પહેલાં જાણવી ખૂબ જ જરૂરી છે.
હેલિકોપ્ટરમાં આવશે સ્ટાર પ્રચારક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ મોર્ચે પડઘા પડી રહ્યા છે. જ્યાં એક તરફ મતદારોની મનાવવા માટે ઘણી લોભમણી સ્કીમો જાહેર થઈ રહી છે ત્યારે બીજી તરફ તમામ પક્ષ સ્ટાર પ્રચારકોનો જમાવડો કરી રહ્યું છે. અગાઉ આપ તરફથી પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહથી લઈ દિલ્હીના આપ નેતાથી લઈ પંજાબ રાજ્યની કેબિનેટના મંત્રીઓ આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી પણ સ્ટાર પ્રચારકમાં ગાંધી પરિવારના રાહુલ અને પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધી આવી શકે છે ગુજરાત, તેમજ નવા પ્રદેશ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે પણ ગુજરાતમાં પ્રચાર કરશે. આ વચ્ચે ભાજપ તરફથી સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી અને સાથે જ ગાંધીનગર- અમદાવાદમાંથી સ્ટાર પ્રચારકને લઈ જવા માટે હેલિકોપ્ટર પણ ભાડે લેવામાં આવ્યા છે. જેનો ખર્ચ પણ મતદારોના માથે જ હશે કે પછી…
આ પણ વાંચો : ભાજપના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર, મોદી – શાહ સહિત 40 નેતાઓનો સમાવેશ
વડોદરા ભાજપ અને રાજકોટ કોંગ્રેસમાં શું થશે ?
ઉમેદવારોના નામની યાદી જાહેર થઈ જાય પછી પાર્ટીની અંદરનો વિવાદ તમામ પક્ષો માટે માથાનો દુ:ખાવો બની રહ્યો છે. જેમાં પહેલા કોંગ્રેસની વાત કરીએ તો આયાતી ઉમેદવાર તરીકે આપમાંથી ફરી કોંગ્રેસમાં આવેલા રાજ્યગુરુના નામને લઈને વિરોધ શરૂ થઈ ગયો છે. તેના કારણે કેટલાંક કોંગ્રેસના હોદ્દેદારો જાહેરમાં તો કેટલાંક ગુપ્ત રીતે નેગેટિવ પ્રચારમાં લાગી ગયા છે. જેનાથી પાર્ટી હાઈકમાન્ડને પણ ટેન્શન થવા લાગ્યું છે. તો બીજી તરફ વડોદરામાં ભાજપ માટે પોતાના જ જૂના સભ્યો અને હોદ્દેદારો મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠકના સતિષ પટેલ અને પાદરાના દિનુ પટેલ ઘણા આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ત્રણેય નેતા અપક્ષમાંથી ઉમેદવારી ભરે તો પણ નવાઈ નહીં. આ તરફ આપ પાસે ઉમેદવારોના બાયોડેટા મુદ્દો પણ ઘણો ચર્ચામાં છે. એટલે ચૂંટણી પહેલાં જ નારાજ નેતાઓને મનાવવા માટે પાર્ટી હાઇકમાન્ડ દોડતી થઈ છે.
અલ્પેશ અને હાર્દિકની રાજકીય કારકિર્દી સમાપ્ત થશે !
નારાજ નેતાઓથી વાત પાર્ટીએ સમાવી લીધેલા વિરોધી નેતાઓની. કોંગ્રેસમાંથી આમતો ભાજપમાં ઘણાં નેતાઓએ પ્રવેશ મેળવો છે. જો 166 ઉમેદવારોની યાદીમાં ઘણાં એવા ઉમેદવારો છે જેઓ આયાતી છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને તેમને ટિકિટ મળી છે. આમાં સૌથી વધુ ચર્ચા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ જે બેઠક પરથી લડી રહ્યા છે તે બેઠકોની થઈ રહી છે. હાર્દિક વિરમગામ બેઠક પરથી લડી રહ્યા છે જ્યાંથી ભાજપ અત્યાર સુધી જીતી શક્યું નથી અને 2017ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે હાર્દિક પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. બીજી તરફ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ઉમેદવાર છે પહેલેથી જ ત્યાં સ્થાનિક નેતાઓનો વિરોધ ચાલી રહ્યો છે. તે વચ્ચે તેમને કોંગ્રેસના મજબૂત ઉમેદવાર સામે ટક્કર પણ મુશ્કેલ છે. આ વચ્ચે બંને યુવા નેતાઓને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ટિકિટ તો આપવામાં આવી છે પણ જીત મેળવવી એટલી જ મુશ્કેલ છે, કેમકે પહેલી જીત તો તેમને પોતાની પાર્ટીની અંદર મેળવવાની રહેશે !
જીત પણ હવે જ્યોતિષને આભારી
પેહલાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારો પાર્ટી હાઈકમાન્ડના સાથે ચર્ચા કરતા અને જીત મેળવવા માટે કાર્યકર્તાઓ સાથે બેઠક કરતાં હતા પણ હવે ઉમેદવારો જીત માટે મતદારો પાસે જવા સાથે જ્યોતિષીઓ અને ધાર્મિક ક્રિયાઓ કરાવવામાં વધુ રસ લઈ રહ્યા છે. છેલ્લા થોડાં દિવસોથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે કેટલાંક નેતાઓ ચોક્કસ રંગના કપડાં પહેરીને ફોર્મ ભરવા જવાનો આગ્રહ રાખી રહ્યા છે તો કેટલાંક મુહૂર્ત ખાસ સમય સાથે જરૂરી મંત્રોચ્ચાર કરીને જ બહાર નીકળવાનો આગ્રહ રાખી રહ્યા છે. એટલું જ નહીં વિરોધી ઉમેદવારો સામે પણ કોઈ ધાર્મિક વિધિ કે મંત્રોજાપ અને બાધા-માનતાનો પણ ઉપયોગ કરતાં ઉમેદવારો ખચકાટ અનુભવતા નથી. અંતે જે પણ કરશે તેનો અંતિમ જવાબ તો પ્રજા જ નક્કી કરશે અને તેમના મતોના આધારે તેમનું ભવિષ્ય નક્કી થશે.
આ પણ વાંચો : કેજરીવાલ પર નિશાન સાંધતા 13 વર્ષના બાળકનો વીડિયો થયો વાઈરલ
ED અને IT બાદ ચૂંટણી વચ્ચે GST અને ATS નો વેપારીઓને ભય
ચૂંટણી માટે રોકડની હેરફેર પર નજર રાખવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યમાં ATS અને GST વિભાગે મોટી કાર્યવાહી કરતા સમગ્ર રાજ્યમાં 150 સ્થળો પર દરોડા પાડ્યા છે. રાજ્યના મોટા શહેરોમાં આ દરોડા વચ્ચે નકલી બિલોના નામે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં પાડ્યા છે. થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ અંદાજે 500 કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેની સાથે જ અગાઉ બિલ્ડર અને રિયલ એસ્ટેટ વિભાગ પર IT વિભાગના દરોડા પડ્યા હતા, જેમાં પણ ઘણી બેનામી સંપત્તિ મળી આવી હતી. જેની સાથે જ ચૂંટણી પહેલાં ઘણાં બિલ્ડર અને વેપારીઓના પર ED ના દરોડા પડ્યા હતા, જેમાં પણ મોટી બેનામી સંપત્તિ સામે આવી હતી. આ તમામ વચ્ચે વેપારીઓને ચૂંટણી વચ્ચે સૌથી વધુ વેપાર કરવા કરતાં આ તમામ સંસ્થાઓનો લાગી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ATS વિભાગનું મોટું સર્ચ ઓપરેશન, 100થી વધુ સ્થળોએ દરોડા