ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલાં જ AAP ના વધુ એક નેતા પહેલાં ગાયબ થયા અને પછી ભાજપને સમર્થન જાહેર કર્યું

Text To Speech

રાજકીય માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગી રહ્યો છે. જ્યારે હવે મતદાનના ગણતરીના કલાક બાકી છે ત્યારે આપના ઉમેદવારે પોતાનું સર્મથન જ ભાજપના ઉમેદવારને જાહેર કરી દીધું છે. કચ્છમાં આપના એક ઉમેદવાર નાટ્યાત્મક રીતે ગાયબ થઈ ગયા હોવાનો કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો હતો. જોકે આ ગાયબ ઉમેદવારે બાદમાં વીડિયો બનાવીને પોતે આપ છોડી ભાજપને સમર્થન આપવાનું જાહેર કર્યું હતું.

આ પણ વાંચો : સુરત : મેગા રોડ શો થી હીરાનગરી બની ગઈ મોદીમય

આ અંગે માહિતી અનુસાર કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર વસંત ખેલાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેમણે એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, તેઓ આપ છોડી રહ્યા છે અને દેશ હિતમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ બાદ તેમનો ભાજપના હોદ્દેદારો સાથે ખેસ પહેરતો ફોટો પણ સામે આવ્યો હતો.

બીજી તરફ આપના કચ્છમાં અબડાસાના પ્રભારી અને કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે, સવારથી જ વસંત ખેલાણી ગુમ હતા. તેમના ઘરે પણ તેઓ નહોતા. તથા ફોન પણ બંધ આવતો હતો. તેમણે આ અંગે ભાજપના લોકો પર અપહરણ કરાયાનો આક્ષેપ કર્યો હતો, અને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ઉમેદવાર પર દબાણ કરાયું હોવાનું કહ્યું હતું. બીજી તરફ કચ્છ જિલ્લા પોલીસ વડાએ અપહરણની વાતને નકારી હતી અને તેઓ સ્વયંભૂ ગયા હોવાનું કહ્યું હતું.

કંચન જરીવાલા-HUM DEKHENEGE NEWS
કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી લેતા આપમાં ખડભડાટ

સુરતમાં પણ આવું જ થયું

નોંધનીય છે કે, સુરતમાં પણ સુરત પૂર્વથી આપ ના ઉમેદવાર રહેલા કંચન જરીવાલા ફોર્મ ભર્યા બાદથી આ રીતે ગુમ થઈ ગયા હતા. જે બાદ બીજા દિવસે તેઓ અચાનક નોડલ ઓફિસર સમક્ષ પ્રગટ થઈને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આ વખતે પણ ભાજપ દ્વારા તેમને ફોર્મ પરત લેવા દબાણ કરાયું હોવાના આપ દ્વારા આક્ષેપ લાગ્યા હતા. જોકે બાદમાં તેમણે પોતે પણ વીડિયો બનાવી અંગત કારણોસર પાર્ટી છોડી હોવાનું કહ્યું હતું.

Back to top button