શું કામ ભાજપની સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ બે નેતાની થઈ એન્ટ્રી ?
વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે બીજી તરફ સત્તાધારી ભાજપ સંપૂર્ણ રીતે એક્ટિવ છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે અને પાર્લામેન્ટરી બોર્ડમાં મોટા ફેરફાર જોવા મળ્યો છે. ભાજપે જાન્યુઆરી-2022માં જાહેર કરેલા સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડનું નામ બદલીને ‘ચૂંટણી પસંદગી સમિતિ’ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આચારસંહિતાનું કેટલું છે મહત્વ, શું થઈ શકે અને શું ન થઈ શકે ?
ભાજપ તરફથી અંતિમ ક્ષણે ‘ચૂંટણી પસંદગી સમિતિ’ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ તેમાં સમાવેશ થયો છે, જેના પર વિવિધ રાજકીય તર્ક વિતર્કો ઊભા થયા છે. આ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક એક બેઠક માટે નિરીક્ષકોના અહેવાલોના આધારે જીતે તેવા ઉમેદવારોના નામો અલગ તારવીને છઠ્ઠી અને સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામા આવશે.
સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો જ સમાવેશ થતો હતો. જેમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, વિજય રૂપાણી, નીતિન પટેલ, બે પૂર્વ મંત્રી ફળદૂ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, ત્રણ સાંસદો અનુક્રમે રાજેશ ચુડાસમા, ડો.કિરીટ સોલંકી અને જશવંતસિંહ ભાભોર તેમજ પૂર્વ મેયર કાનજી ઠાકોર ઉપરાંત મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપિકા સરડવાનો સમાવેશ કરાયો હતો. હવે કુલ 17 સભ્યો એક બેઠક ઉપર ત્રણથી પાંચ નામોની પેનલ તૈયાર કરશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ક્યા વિસ્તારમાં અને કઈ બેઠક પર ક્યારે થશે મતદાન ?, જાણો તમામ અપડેટ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરવા ગુરૂવારથી સળંગ ત્રણ દિવસ માટે આ સમિતિની બેઠકો શરૂ થવા જઈ રહી છે. જ્યાં 182 ઉમેદવારો નક્કી કરવા માટે આ તમામ 17 ની ‘સેન્સ’ મહત્વની રહેશે. જેના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં સીઆરના રોલ સામે પણ હવે ઘણાં સવાલો ઉઠી રહ્યા છે.