ભાજપ 25 ટકા જૂના ધારાસભ્યોને ઘરે બેસાડવાના મૂળમાં, અમિત શાહે આપ્યો અણસાર
વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મધ્ય ગુજરાતના આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, ભાજપ 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપીને મેદાનમાં ઉતારશે.
કેટલા ધારાસભ્યોને કરી શકે છે ઘરભેગા ?
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી વડોદરાની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, ટિકિટની ફાળવણી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે પરંતુ જે ઉમેદવાર જીતી શકે તેવા સક્ષમ હોય અને સારા કાર્યો કર્યા હોય તેવા ને ટિકિટ આપવામાં આવશે. ભાજપ ચૂંટણી માટે 151 બેઠકનું લક્ષ રાખીને ચૂંટણી જીતવાની પૂર્વ તૈયારી કરી ચૂક્યું છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપીને મેદાનમાં ઉતારશે. હાલના ધારાસભ્યોમાંથી 25 ટકાની ટિકિટ કાપી નવા ઉમેદવારોને તક આપવામાં આવશે.
ટિકિટની ફાળવણી અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ઉમેદવારોને ટિકિટ ફાળવણીમાં કોઈ ચોક્કસ ક્રાઈટેરિયા રાખવામાં આવશે નહીં જે જીતે એવા ઉમેદવારને ટિકિટ અપાશે તેમાં ભલે ઉમેદવાર વધુ ઉંમરના હોય કે પછી ત્રણથી ચાર વખત જીતેલા હોય તેવાને પણ ટિકિટ આપી શકાશે. જે જીતે એવા જ ઉમેદવારોને ભાજપ ટિકિટ આપશે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહે વડોદરામાં ટિકિટ બાબતે પત્તા ખોલ્યા
ભાજપ સામે કોંગ્રેસ જ મુખ્ય મુકાબલો
તેમણે ગુજરાતના હાલના રાજકારણ અંગે જણાવ્યું હતું કે,ગુજરાતમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. વિપક્ષ માં કોણ રહેશે તે અંગે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ નક્કી કરવાનું કામ મતદારો કરશે પરંતુ જે રીતે હાલના રાજકારણમાં બદલાવ થઈ રહ્યો છે તે જોતા પણ કોંગ્રેસ જ વિપક્ષ તરીકે આવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ એરપોર્ટથી સીધા બેઠકના સ્થળેઆવી પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ મધ્ય ગુજરાતના કાર્યકર્તા સાથે યોજાયેલ બેઠક માટે ઉપસ્થિત રહ્યા હતા.