ગુજરાત ચુંટણી 2022 : ગુજરાતમાં બદલાવની આંધી ફૂંકાઇ છે : કેજરીવાલ
પાલનપુર : આગામી વિધાનસભા- 2022 ની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની સભાઓ તેમજ યાત્રાઓનો હવે ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ડીસા ખાતે સોમવારે બપોરે આમ આદમી પાર્ટીની વિશાળ જાહેર સભા હવાઈ પિલર ખાતે યોજાઇ હતી.
ડીસામાં યોજાયેલી ‘આપ’ની સભામાં કેજરીવાલ અને ભગવંત માનનું સંબોધન
ડીસા ખાતે યોજાયેલી સભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકારે ભ્રષ્ટાચારની હદ વટાવી દીધી છે. હવે આમ આદમીની ઈમાનદાર સરકાર બનશે. ત્યારે ભ્રષ્ટાચાર સદંતર બંધ થશે.
તેમને વીજળી ના મુદ્દે દિલ્હી સરકારનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, દિલ્હીમાં લોકોના ઘરમાં વીજ બીલ ઝીરો આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અમારી સરકાર બનતા જ એક માર્ચથી તમામ લોકોના વીજ બીલ ઝીરો આવશે. કેજરીવાલે સ્વાસ્થ્ય અંગે ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, લોકોને પૂરતી સ્વાસ્થ્ય સુવિધા મળી રહી નથી. જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
ત્યારે ‘આપ’ની સરકાર બનતા જ 20,000 મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. જ્યારે બાળકોના ભવિષ્ય માટે શાનદાર સ્કૂલોનું નિર્માણ પણ કરીશું, તેમ જણાવીને સરકારી શાળાઓમાં ગરીબ, મજૂર અને સામાન્ય પરિવારના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર અને એન્જિનિયર બનશે.
જ્યારે બેરોજગારીના મુદ્દે કેજરીવાલે ભાજપના 27 વર્ષના સાશનની ટીકા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો બેરોજગારી ના કારણે પરેશાન થઈ રહ્યા છે, જેમના માટે દસ લાખ નોકરી માટેનું આયોજન અમે કરી રાખ્યું છે. જ્યાં સુધી યુવાનોને નોકરી નહીં મળે ત્યાં સુધી તેમને રૂ. 3,000 બેરોજગારી ભથ્થું અમારી સરકાર આપશે. એટલું જ નહીં બહેનો, માતાઓ અને દીકરીઓના ખાતામાં પ્રત્યેકને રૂ.1,000 પણ આપીશું.
કેજરીવાલ એ ગુજરાતમાં પોતાની સરકાર બની રહી હોવાનું જણાવીને આઈબી ના રિપોર્ટને ટાંક્યો હતો. તેમને ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાતમાં ‘આપ’ને 90 થી 92 બેઠકો મળી રહી છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. અને બંને પક્ષો ગોઠવણ કરવા ભેગા થઈ ગયા છે. હવે ભાજપનું ઘમંડ ઉતારવાનો સમય આવ્યો છે. પ્રજાએ તે કામ ઝાડુ ચલાવીને કરવાનું છે, તેવી હાકલ કરી હતી. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત ઈમાનદાર ‘આપ’ ની સરકાર ગુજરાતમાં બનશે તેવો આશાવાદ પણ સેવ્યો હતો, અને ડબલ એન્જિનના બદલે હવે નવું એન્જિન જ લઈ આવો તેમ લોકોને જણાવ્યું હતું.
આ સભામાં ઉપસ્થિત રહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, લોકો કહી રહ્યા છે કે, હવે આમનાથી (ભાજપ) અમારો પીછો છોડાવો. પરંતુ આ કામ તમારે કરવાનું છે. તેમ જણાવી ગુજરાતના લોકો હવે બદલાવ ઇચ્છિ રહ્યા છે તેમ તેમને ઉમેર્યું હતું.
આ સભામાં પાટણના ‘આપ’ના ઉમેદવાર લાલેશ ઠક્કર, ડીસાના ઉમેદવાર ડો. રમેશ પટેલ દિયોદરના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી તેમજ આપના આગેવાની યુવરાજસિંહ જાડેજા, રમેશભાઈ નાભાણી સહિત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.