ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું કેટલીક અંદરની વાતો, તમામ પક્ષોની વાત અને સાથે મુખ્ય ઘટનાઓ પર નજર
વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, તેની સાથે જ રાજકીય પક્ષોની ખેંચતાણ પણ જાહેરમાં સામે આવી રહી છે. આ વચ્ચે રાજકીય પક્ષોની અંદરોઅંદર પણ કેટલીક વાતચીત અને કેટલીક આંતરિક વાતો ચાલી રહી છે તેને જાણવાની અને તમારી સામે રજુ કરવા માટેની એક વિશેષ રજુઆત “હમ દેખ રહે હૈ” ની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં હમ દેખેંગે દ્વારા સમાચાર ઉપરાંતની કેટલીક આંતરિક વાતો તમારી સામે રજુ કરીશું જે તમારે મત આપવા પહેલાં જાણવી ખૂબ જ જરૂરી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષના ગૃહ શહેરમાં જ વધુ કકળાટ કેમ ?
રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણીમાં પક્ષને મજબૂત કરવાની જવાબદારી છે. જ્યારે એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી એક પછી એક યાદીઓ જાહેર થઈ રહી છે ત્યારે ભાજપ તરફથી પહેલી યાદી પણ 10 તારીખ પછી દિલ્હીથી જાહેર થશે તેવા સંકેતો મળી રહ્યા છે. આ વચ્ચે પ્રદેશ અધ્યક્ષના ગૃહ શહેર સુરતમાં જ ટિકિટ મુદ્દે વિવાદ ખુલીને સામે આવી રહ્યો છે. જેમાં વરાછા બેઠક પરનો વિવાદ સૌ કોઈ જાણી રહ્યું છે પણ લિંબાયત બેઠક પર ભાજપના હાલના ધારાસભ્ય સામે જ વિરોધના પોસ્ટર લાગી રહ્યા છે. તેની સામે પ્રદેશ અધ્યક્ષના કુટુંબના સભ્યે જ ટિકિટ માંગી છે. જેના કારણે વિરોધનો સૂર ઘરમાં જ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેની સામે પરિસ્થિતિ જેટલી જલ્દી શાંત થાય તો યાદી જાહેર પણ ઝડપથી બહાર આવશે. કેમકે અહીં પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરના જ મતદાન યોજાવાનું છે.
આ પણ વાંચો : શું લિંબાયત બેઠક પર સંગીતા પાટીલનું જોર ઘટી રહ્યું છે ?
કોંગ્રેસમાં સૌ કોઈ સાથે કેમ નથી ?
કોંગ્રેસની મુખ્ય વેદના એ છેકે ધારાસભ્યની ટિકિટ તો આપી દઈએ પણ જીત મેળવ્યા બાદ પાર્ટીને છોડી ન દે. અત્યારે સૌથી પહેલાં કોંગ્રેસની દેશભરમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સૌથી મોટો પ્રશ્ન જ આ છે કે જીત્યા પછી ધારાસભ્ય પક્ષપલટો ન કરી લે. અગાઉ વિધાનસભાની 2017 ની ચૂંટણીમાં કોંગ્રસના 77 ધારાસભ્યો હતા, જેની સામે હાલમાં 63 જ ધારાસભ્યો રહ્યા છે. જે ઉપરાંત ઘણાં મોટા પાટીદાર નેતાઓ પણ પક્ષપલટો કરીને જતાં રહ્યા છે. બીજી તરફ પાર્ટીના આંતરિક નેતાઓમાં પણ એકબીજા માટે અણગમો જાહેરમાં પણ સામે આવી રહ્યો છે. એક તરફ કેટલાંક નેતાઓ આપ સાથે ગઠબંધનની વાત કરી છે ત્યારે બીજી તરફ અન્ય નેતા આ વાતને નકારીને આપ પર આક્ષેપ બાજી કરે છે. હાલત કોંગ્રેસની એવી છે કે જીતે તેવા ઉમેદવારો કરતાં ડિપોઝિટ જપ્ત ન થાય તેવા ઉમેદવારોની પણ શોધ કરી રહી છે. આગામી સમયમાં તેના પર વધુ વિસ્તારથી ચર્ચા કરીશું.
આ પણ વાંચો : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર કાર્યકર્તાએ ફેંકી શાહી, પિતાને ટિકિટ ન મળતા નારાજ
આપ જીતવા પહેલાં કોણ તોડી ગયું ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી ઘણાં મોટા ઉપાડે બેઠકો જીતવાના દાવા કરી રહી છે. જેમાં સૌથી પહેલાં પ્રચારની શરૂઆત જુલાઈ ઓગસ્ટ મહિનાથી દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. પણ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સાથે રહેનાર મોટાં જ નેતાઓ એક પછી એક પક્ષ છોડી રહ્યા છે. બીજી તરફ પક્ષે ચૂંટણીમાં જીતવા પહેલાં જ મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે, જેની સામે પાર્ટીના જ પ્રદેશ અધ્યક્ષને વાંધો હોવાનું (દર્દ) જાહેર મંચ પર જ સામે આવી ગયું હતું. આ ઉપરાંત હવાલાથી ચૂંટણી લડવાનો આરોપ સત્તાધારી પક્ષતો લગાવી જ રહ્યું હતું પણ હવે પક્ષ છોડીને ગયેલા નેતાઓ પણ ખૂલીને જાહેરમાં આ આરોપો લગાવી રહ્યા છે અને પુરાવા પણ રજુ કરી રહ્યા છે. તેમજ પાટીદાર નેતાને સાથે જોડીને જીત મેળવવાની આશા સામે પ્રદેશ અધ્યક્ષને પોતાનું કદ નાનું ન થઈ જાય તેવો પણ ડર સતાવી રહ્યો છે.
આ પણ વાંચો : ‘આપ’માંથી વધુ એક નેતાની વિદાય : રાજભા ઝાલા આપી શકે છે રાજીનામું
મોરબીમાં નિષ્પક્ષ તપાસ થશે કે નહીં ?
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાની ઘટના પર સૌ કોઈની પ્રતિક્રિયા આવી રહી છે. આ વચ્ચે કેટલાંક સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે તપાસ અધિકારીઓ પર પણ નિષ્પક્ષ તપાસ ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યારે એસઆઈટીની રચના થઈ ત્યારથી જ તેના કાર્ય સામે સવાલો ઉઠી રહ્યા છે. પણ આ વખતે ચૂંટણીના થોડાં જ દિવસો પહેલાં બનેલી દર્દનાક ઘટના કારણે નિષ્પક્ષ તપાસની સૌ કોઈ આશા રાખી રહ્યું છે પણ ભીનું સંકેલવાની સાથે સાથે ઘણાં લોકો બચી જાય તો નવાઈ નહીં. તેમજ હજી સુધી પુલ બનાવનાર કંપની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી તેના દ્વારા જ ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે. તેવામાં ચૂંટણી સમયે આ મુદ્દો ફરી ભૂલી જવામાં ન આવે તો સારું
ચૂંટણી ગુજરાતની પણ પ્રચાર રાષ્ટ્રીય મુદ્દા સાથે કેમ ?
ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલા પક્ષ સામે આમ આદમી પાર્ટી દ્વારા પહેલાં શિક્ષણ અને રોજગારી, મફત વિજળી જેવા મુદ્દા લઈને આવ્યું હતું. પણ તેને જ સમય જતાં ફરી એકવાર ધાર્મિક મુદ્દાની વાત લઈને આવી ગયું છે. આ ઉપરાંત આપ દ્વારા ફરી એકવાર ભાજપ પર ધાર્મિક મુદ્દે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. આ તરફ કોંગ્રેસ તરફથી પણ રાજ્ય સરકાર સામે આરોપનામું રજુ કર્યું છે, પણ તેમાં મફત વિજળી, અને ગેસ રોજગારીના મુદ્દાની વાતો કરી છે. ભાજપ ફરી એકવાર રાષ્ટ્રીય નેતાઓને જ પ્રચારમાં મેદાનમાં ઉતારીને રાજ્યની ચૂંટણીને રાષ્ટ્રીય મુદ્દો બનાવી રહ્યું છે. તેમજ ફ્રી આપવાની વાત આપ દ્વારા જ કરવામાં આવી હતી પણ હવે ધીમે ધીમે કોંગ્રેસ અને ભાજપ પણ આ મુદ્દા પર કોઈને કોઈ લ્હાણી કરાવી રહ્યું છે. એટલે મતદારને રિઝાવવા સૌ કોઈ પ્રયત્નશીલ છે અને હવે આગામી સમયમાં શું નવું થાય છે તે હમ દેખ રહે હૈ….