નવસારીઃ 10 ઓગસ્ટ 2024, ગુજરાતમાં વિદેશમાં વસ્યા પછી પણ શિક્ષકોનો પગાર ચાલુ હોવાના અહેવાલો પ્રકાશમાં આવતા સરકાર હવે હરકતમાં આવી છે. આજે શિક્ષણમંત્રી નવસારીના ચીખલી ખાતે વન મહોત્સવમાં હાજરી આપવા આવ્યા હતાં. તેમણે અચાનક સમરોલી ગામની નવનિર્મિત શાળાની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. આ શાળામાં છેલ્લા કેટલાક સમયથી કામ બંધ હોવાને કારણે મંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે શાળાના બાંધકામને લઈને તેમણે તપાસ શરૂ કરી હતી. રાજ્યમાં ચર્ચાસ્પદ દાંતા ગામની વિદેશ ગયેલી શિક્ષિકાના પ્રકરણમાં પણ સોમવાર સુધી ઉચ્ચકક્ષાએ તપાસ કરવાની બાંહેધરી આપી હતી.
ટૂંક સમયમાં શિક્ષકોને ઓનલાઇન હાજરી પુરવાનો નિયમ અમલી બનશે
દાંતા ગામના પ્રશ્ન વિશે માહિતી આપતા શિક્ષણમંત્રી પ્રફૂલ્લભાઈ પાનસેરિયાએ કહ્યું હતું કે, પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા રજા મૂકીને વિદેશ ગયા છે. એ બધી બાબતોની તપાસ થઈ છે. 1 જાન્યુઆરી પછી તેમને રજા મૂકી છે ત્યારબાદ સરકારનો એક રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી. અગાઉ સરકારનો ગેરલાભ લીધો હશે અથવા લાંબી રજા મૂકી હશે તો સોમવારે સંપૂર્ણપણે તપાસ કરીશ અને દાંતા જ નહીં પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં ગામડાઓનો શાળાઓમાં આવા પ્રકારની પ્રવૃત્તિ થશે તો તેની પણ તપાસ કરવામાં આવશ. તેમણે કહ્યું હતું કે, સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી પૂરવાનો નિયમ બદલાશે અને ઓનલાઈન હાજરી પૂરવાના પ્રોજેક્ટ અંગે કામ થશે.
શાળામાં ગેરહાજર શિક્ષિકા સામે કાર્યવાહી કરાશે
ગઈકાલે આદિવાસી દિવસની ઉજવણીમાં આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ શિક્ષિકા વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે. જેથી તેમની સામે રેકોર્ડની તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવશે. પાસપોર્ટ ધરાવતા હોય અને વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે. તો આમાં પણ રેકોર્ડ પ્રમાણે પગલાં ભરવામાં આવશે. આ સંપૂર્ણ બાબતે તપાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હવે કપડવંજની સ્કૂલમાં પણ ડમી શિક્ષક મળી આવ્યાં છે. બીજી તરફ નડિયાદની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલ પરમાર 1 વર્ષથી વિદેશ જતા રહ્યા છે અને તેમની હાજરી સ્કૂલમાં પુરાઈ રહી છે.
આ પણ વાંચોઃસરકારી સ્કૂલના શિક્ષિકા ચાલુ ફરજે 8 વર્ષથી અમેરિકામાં રહે છે, ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું