ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: જમીનનો વિવાદ થતા બિલ્ડરે માતાજીનું મંદિર સળગાવી દિધુ

  • આસ્થાના પ્રતિક સમાન આ મંદિરને સળગાવી દેવાતા ભારે રોષ ફેલાયો
  • સિંગણપોર પોલીસે રવજી પટેલ સહિત બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો
  • રવજી પટેલે મંદિરવાળી જગ્યા પોતાની હોવાનો દાવો કર્યો હતો

ગુજરાતના ડભોલી ખાતે બિલ્ડરે માતાજીનું મંદિર સળગાવી દેતા દેવીપૂજકોમાં ભારે રોષ ફેલાયો છે. જેમાં બે યુવકોને ધાક-ધમકી આપી જલદ પ્રવાહી નાખી મંદિરને આગ ચાંપી કરવામાં આવી હતી. તેમાં સિંગણપોર પોલીસે રવજી પટેલ સહિત બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. તેમજ રવજી પટેલે મંદિરવાળી જગ્યા પોતાની હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: સુરતના અડાજણની જમીનને NA કરવાનો ઈનકાર થતા હાઈકોર્ટે સરકારને ટકોર કરી

જાણો શું હતો સમગ્ર મામલો:

ડભોલીમાં એક બિલ્ડરે જલદ પ્રવાહી નાંખી માતાજીનું મંદિર સળગાવી દેતા ભારે હંગામો મચી ગયો હતો. ધાર્મિક લાગણી દુભાતા દેવીપૂજક સમાજના લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સિંગણપોર પોલીસે બિલ્ડર સહિત બે સામે ગુનો દાકલ કર્યો હતો. ડભોલી ખાતે ઘનશ્યામનગરમાં રહેતા અક્ષય હિમ્મતભાઇ મીઠાપુરા હીરાના કારખાનામાં જોબ કરે છે. મંગળવારે સવારે 11 વાગ્યે ઘનશ્યામનગરની સામે ખુલ્લા પોપડમાં દેવીપૂજક સમાજના જોગણી માતા, તાડ માકા, રખા દાદા અને મામાદેવનું દેવસ્થાન મંદિર આવેલું છે. દેવીપૂજક સમાજના લોકોની આસ્થાના પ્રતિક સમાન આ મંદિરને સળગાવી દેવાતા ભારે રોષ ફેલાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં આસારામ કેસના સાક્ષીને મળી મારી નાખવાની ધમકી 

દાનપેટી, કાપડની ધજા, શ્રીફળ, માતાજીના ફોટા, ચૂંદડીઓ , પુજાપાના સામાનને સળગાવી દીધું

અક્ષય અને તેનો મિત્ર પ્રવિણ સવારે મંદિરે દર્શનાર્થે જવા નીકળ્યા હતા ત્યારે લાલ કલરની કારમાં રવજી શંભુભાઇ ત્યાં આવી પહોંચ્યા હતા. રવજીભાઇના હાથમાં લોખંડની પાઇપવાળું ધારિયું હતુ. તેમની સાથે બીજો એક યુવક પણ હતો. રવજીએ અક્ષય અને તેના મિત્ર સાથે ઝઘડો કર્યો હતો. “આ જગ્યા મારી છે, તમે આ મંદિરમાં દર્શન કરવા આવવું નહિ, દર્શન કરવા આવશો તો બાળી નાંખીશ” એવી ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ રવજી પટેલે પ્લાસ્ટિકની બોટલમાં રહેલું જલદ પ્રવાહી મંદિરની આજુબાજુ છાંટી દીધું હતુ. ત્યારબાદ મંદિર પાસે પડેલા લાકડા પર કપડું વિંટાળી તેની મશાલ બનાવી મંદિરમાં સળગતા દીવામાંથી આગ લઇ દાનપેટી, કાપડની ધજા, શ્રીફળ, માતાજીના ફોટા, ચૂંદડીઓ , પુજાપાના સામાનને સળગાવી દીધું હતુ.

આ પણ વાંચો: આજે બપોરે 12 વાગે મળશે વિધાનસભાનું સત્ર, જાણો કયા વિધેયકો પર થશે ચર્ચા 

રવજી શંભુભાઇ સહિત બે જણા સામે ગુનો દાખલ કર્યો

મંદિર સળગવા લાગતા વિસ્તારમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. જોતજોતામાં દેવીપૂજક સમાજના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આ બનાવને પગલે દેવીપૂજક સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઇ હતી અને તેઓએ રવજી પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સિંગણપોર પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો હતો. રવજી પટેલે મંદિરવાળી જગ્યા પોતાની હોવાનો દાવો કર્યો હતો. હાલ તો પોલીસે અક્ષય મીઠાપુરાની ફરિયાદ લઇ રવજી શંભુભાઇ સહિત બે જણા સામે ગુનો દાખલ કર્યો હતો.

Back to top button