ગુજરાત: ચાલુ કારમાં આગ લાગતા દરવાજો લોક થયો, અંદર બેઠેલા પરિવારનો જીવ પડીકે બંધાયો
- લતીપર રોડ પર એકાએક ચાલુ કારમાં આગ લાગી
- ધ્રોળ પોલીસે આગ અકસ્માતની નોંધ કરી છે
- ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો
ધ્રોળ નજીક અચાનક ચાલતી કારમાં આગ લાગી હતી. જેમાં ચાલુ કારમાં આગ લાગતા દરવાજો લોક થયો, અંદર બેઠેલા પરિવારનો જીવ પડીકે બંધાયો હતો. જેમા પરિવારનો જીવ માંડ માંડ બચ્યો છે.
લતીપર રોડ પર એકાએક ચાલુ કારમાં આગ લાગી
મોરબીથી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે રાખીને એક કારમાં બેસીને જામનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ધ્રોળ નજીક લતીપર રોડ પર એકાએક ચાલુ કારમાં આગ લાગી જતાં અફરાતફરી સર્જાઈ હતી. તેવામાં કારનો દરવાજો પણ એક તરફથી લોક થઈ ગયો હતો. જો કે, કારચાલક અને તેમની પત્ની અઢી વર્ષની બાળકીને લઈને બહાર આવી જતા ત્રણેયનો બચાવ થયો હતો.
ધ્રોળ પોલીસે આગ અકસ્માતની નોંધ કરી છે
ઉલ્લેખનીય છે કે કારમાં રાખેલી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે દંપતીએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ધ્રોળ પોલીસે આગ અકસ્માતની નોંધ કરી છે.
ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો
કારમાં આગ વિકરાળ બને એ પહેલા દંપતી બાળકીને લઈને બહાર આવી ગયા હતા. જેમાં આગળની સીટના ભાગમાં આગ પ્રસરી હોવાથી કારમાં પડેલા આઠ હજાર રૂપિયાની રોકડ રકમ, ઘડિયાળ તથા અન્ય સામગ્રી સળગી ગયું હતું. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.