ગુજરાત: પોલીસના વહીવટાદારો સામે DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી
- વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું
- 13 વહીવટદારોની જિલ્લા બદલીનો વિવાદ વકર્યો
- વહીવટદારોની મિલકતો અંગે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઊંડી તપાસ
અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં કાર્યરત પોલીસ ઈન્સ્પેક્ટરો, એસીપી તેમજ અન્ય ઉપરી અધિકારીઓ માટે ઉઘરાણાં કરતાં 13 વહીવટદારોની જિલ્લા બદલીનો વિવાદ વકર્યો છે.
વહીવટદારોની મિલકતો અંગે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઊંડી તપાસ
અમદાવાદમાં તોડબાજીની ફરિયાદોથી ડીજીપી અને પોલીસ કમિશનરની સંયુક્ત તપાસ બાદ અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવેલા 13 વહીવટદારો હાઈકોર્ટમાં ધા નાંખવા કાર્યવાહી કરી રહ્યાં હતાં. હવે ડીજીપીએ વહીવટદારો અને તેમના પરિવારની મિલકતો અંગે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તેવા આદેશો કર્યાની ઘટના રાજ્યમાં પ્રથમ વખત જ બની છે.
વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં 13 પોલીસ કર્મચારીઓ પોતે જ્યાં નોકરી કરતાં હોય તે સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ ઈન્સ્પેક્ટરો, એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓ માટે કે તેમના નામે ઉઘરાણા કરવાની પ્રવૃત્તિ કરતાં હોવાની ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશનરને મળી હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં પોલીસ સ્ટેશન ચલાવવા માટે કરવા પડતાં સત્તાવાર સિવાયના ખર્ચા કાઢવા માટે કાર્યરત રહેતાં પોલીસ કર્મચારી એટલે કે વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું હતું.
સ્થાવર કે જંગમ મિલકત, બેન્ક બેલેન્સ, વાહનો, લોકર્સની તપાસ થશે
પોલીસના 13 વહીવટાદારો સામે આખરે ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી છે. 13 વહીવટદારો ઉપરાંત તેમના પરિવાર કે સ્વજનોના નામે સ્થાવર કે જંગમ મિલકત, બેન્ક બેલેન્સ, વાહનો, લોકર્સ, ડીમેટ એકાઉન્ટસ કે અન્ય રોકાણો હશે તે અંગે ઊંડાણભરી તપાસ કરીને ડીજીપીને રિપોર્ટ આપવામાં આવશે તેમ ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું.