ગુજરાત

ગુજરાત: કરોડો રૂપિયાનું આંધણ છતા વરસાદી પાણીના તાત્કાલીક નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ

  • ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા ઓળઘોળ થયા
  • પાટનગરમાં ઠેરઠેર પાણી સાથે મોટાભાગના અંડરપાસ પાણીમાં ગરકાવ
  • 2 ઇંચ વરસાદમાં જ સ્માર્ટ સિટીના એન્જિનીયરોની પોલ ખુલી ગઇ

ગુજરાતમાં કરોડો રૂપિયાનું આંધણ છતા વરસાદી પાણીના તાત્કાલીક નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયુ છે. ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક વાવણીલાયક દોઢથી સાડા ત્રણ ઇંચ વરસાદ આવ્યો છે. તેમાં પાટનગરમાં ઠેરઠેર પાણી ભરાયાં છે. તથા મોટાભાગના અંડરપાસ પાણીમાં તરબોળ થયા છે. મેઘરાજા ઓળઘોળ થતાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.

આ પણ વાંચો:  અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યા ખાબકશે મેઘો 

પાટનગરમાં ઠેરઠેર પાણી સાથે મોટાભાગના અંડરપાસ પાણીમાં ગરકાવ

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા ઓળઘોળ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક દોઢથી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. તમામ તાલુકામાં વાવણી લાયક વરસાદ પડી ચુક્યો છે. પાટનગરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, માત્ર બે ઇંચ વરસાદમાં જ સ્માર્ટ સિટીના એન્જિનીયરોની પોલ ખુલી ગઇ છે. ઠેરઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે. કરોડોના ખર્ચે બનાવેલા અંડરપાસ તલાવડીમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતી છે. કરોડો રૂપિયાનું આંધણ છતા વરસાદી પાણીના તાત્કાલીક નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદથી જળાશયો હાઈએલર્ટ પર, જાણો કેટલો વધ્યો નવા નીરનો જથ્થો 

વરસાદના કારણે સૌથી વધુ હેરાન પાટનગરવાસીઓને થવુ પડયુ

છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યા હતા. પરંતુ જિલ્લામાં વરસાદી માહોલ છતા મેઘરાજા મનમુકીને વરસતા નહતા. જોકે, અસહ્ય ઉકળાટની અસર જોવા મળતી હતી. વાદળોની જમાવટ છતા વરસાદ પડતો ન હતો. પરંતુ ગઇકાલ મોડી સાંજ બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે સમગ્ર શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ થઇ ગયા હતા. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. માત્ર ગાંધીનગર જ નહી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રહી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીના ભાવ વધતા શાકમાર્કેટમાંથી ચોરીઓ શરૂ 

તંત્ર વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યુ

સાર્વત્રિક વરસાદથી ખેડૂતો રાજીના રેડ થઇ રહ્યા હતા. આ વરસાદ વાવણી લાયક હતો. વરાપ નિકળતા જ ખેડૂતો પુરજોશમાં વાવણી કાર્ય શરૂ કરી દેશે. બીજીતરફ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના તળાવોમાં નવા નીરની આવક થઇ હતી. જોકે વરસાદના કારણે સૌથી વધુ હેરાન પાટનગરવાસીઓને થવુ પડયુ હતું. તાજેતરમાં જ બનાવેલા નવા રસ્તાઓ અને ડ્રેનેજ લાઇનના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ હતી. તંત્ર વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યુ હતું.

Back to top button