ગુજરાતનો રાજકીય નકશો બદલાશે? લોકસભાની 39 અને વિધાનસભામાં 273 બેઠક થવાની સંભાવના

ગાંધીનગર: દેશમાં આગામી સીમાંકન (ડિલિમિટેશન) અને નારી શક્તિ વંદન અધિનિયમ-2023(મહિલા અનામત)ના અમલીકરણની પ્રક્રિયા આગળ વધે તો ગુજરાતના રાજકીય નકશામાં 1975 બાદ ઐતિહાસિક ફેરફારો જોવા મળી શકે છે.
રાજ્યમાં હાલ લોકસભાની જે 26 બેઠકો છે તે સીમાંકન બાદ 39 કે 40 થઈ શકે છે. જ્યારે વિધાનસભાની 182 બેઠકો વધીને 273 થઈ શકે છે. સંભવિત સીમાંકનના કારણે અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેરની હાલ જે બેઠકો છે તેમાં પણ વધારો થવાની પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.
આ ઉપરાંત 10 બેઠકો એવી છે કે જેના મતદારોની સંખ્યાને જોતા તેના ભાગ પડી શકે છે. ગુજરાત લોકસભા-વિધાનસભા બેઠકોના આગામી સમયમાં થનારા સંભવિત સીમાંકનને લઈ હાલ રાજ્ય ચૂંટણી પંચ અને વિવિધ જિલ્લા કલેકટર કચેરીમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.
2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કુલ 4.99 કરોડથી વધુ નોંધાયેલા મતદારો હતા. રાજ્યની 26 લોકસભા બેઠકોમાં સરેરાશ 19 લાખ જેટલા મતદારો આવે છે, પરંતુ અનેક બેઠકોમાં આ સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે. જેના કારણે આગામી પરિસીમનમાં મતવિસ્તારોનું પુનર્ગઠન લગભગ અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, પાટણ, ખેડા, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવી બેઠકોમાં પણ 19થી 20 લાખ વચ્ચે મતદારો છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભવિષ્યમાં એક લોકસભા બેઠક દીઠ 12થી 15 લાખ મતદારોનું માપદંડ અપનાવવામાં આવશે તો હાલની ઘણી બેઠકોને વિભાજિત કરવી પડશે.
અમદાવાદમાં હાલમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે લોકસભા બેઠકો છે. બંનેમાં મળીને 37 લાખથી વધુ મતદારો હોવાથી અમદાવાદને ત્રીજી લોકસભા બેઠક મળવાની શક્યતા સૌથી વધુ છે. ગાંધીનગર બેઠકમાં પણ 21 લાખથી વધુ મતદારો હોવાથી કલોલ, દહેગામ અને ગાંધીનગર વિસ્તારને આધારે નવી બેઠકનું સર્જન થઈ શકે છે. સુરત, નવસારી અને વલસાડ વિસ્તારમાં છેલ્લા બે દાયકામાં થયેલી વસ્તી વૃદ્ધિને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ એકથી બે નવી બેઠકો ઉમેરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા અને સાબરકાંઠામાં મળીને લગભગ 40 લાખ જેટલા મતદારો છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં નવી બેઠક ઊભી થઈ શકે છે. પંચમહાલ અને દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં પણ પ્રતિનિધિત્વ વધારવા માટે નવી બેઠક રચાઈ શકે છે. રાજકોટમાં 21 લાખથી વધુ મતદારો હોવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારને અલગ કરીને નવી બેઠક બનાવવાની ચર્ચા ચાલી રહી છે.
વિધાનસભામાં 91 બેઠકોનો વધારો?
જાણકારોના મતે નવા પરિસીમન બાદ વિધાનસભાની બેઠકો 182થી વધીને 273 થઈ શકે છે. એટલે કે લગભગ 91 નવી બેઠકો ઉમેરાઈ શકે છે.
સંભવિત ગણતરી મુજબ અમદાવાદ જિલ્લામાં હાલની 21 બેઠકો વધીને 29 સુધી પહોંચી શકે છે. સુરતમાં 16થી 18, વડોદરામાં 10, બનાસકાંઠા અને રાજકોટમાં 8-8, મહેસાણા, આણંદ અને ભાવનગરમાં 7-7 બેઠકો થવાની શક્યતા છે. કચ્છ, ખેડા અને દાહોદમાં 6-6 તથા ગાંધીનગર, પંચમહાલ, ભરૂચ, વલસાડ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 5-5 બેઠકો થઈ શકે છે.
આ પણ વાંચો: આજની ચાર દિવસ માટે બંધ રહેશે PF સાથે જોડાયેલા તમામ કામ, જાણો EPFOએ કેમ આવો નિર્ણય લીધો












