ગુજરાત: અમદાવાદમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 25થી 30 ટકા જેટલો ઘટાડો, દર્દીઓને ભારે મુશ્કેલી


- કોલેજના વિદ્યાર્થીઓને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટે અપીલ
- શહેરની ખાનગી બ્લડ બેંકોમાં પણ લોહીની અછત વર્તાઈ
- અગાઉ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી બ્લડ યુનિટ મંગાવવા પડયા હતા
અમદાવાદમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 25થી 30 ટકા જેટલો ઘટાડો થતા દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ગરમી-રોગચાળા વચ્ચે અમદાવાદમાં લોહીની અછત છે. મહિને 3 હજાર બ્લડ યુનિટ એકત્ર થતું ત્યાં 800 યુનિટની ઘટ છે. નેગેટિવ ગ્રૂપના લોહી માટે વધારે રઝળપાટ કરવો પડે તેવી હાલત છે.
શહેરની ખાનગી બ્લડ બેંકોમાં પણ લોહીની અછત વર્તાઈ
શહેરની ખાનગી બ્લડ બેંકોમાં પણ લોહીની અછત વર્તાઈ રહી છે. સિવિલ મેડિસિટીની સરકારી બ્લડ બેંકમાં સામાન્ય સંજોગોમાં મહિને 3 હજાર યુનિટ બ્લડ એકત્ર થતું હોય છે, જેની સામે અત્યારે અંદાજે 600થી 800 જેટલા યુનિટની ઘટ છે. એ જ રીતે શહેરની ખાનગી બ્લડ બેંકોમાં પણ લોહીની અછત વર્તાઈ રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલની બ્લડ બેંક સાથે સંકળાયેલા ડોક્ટરે જણાવ્યું હતું કે, છેલ્લા થોડાક સમયથી બ્લડ યુનિટની અછત જેવી સ્થિતિ છે, જેને લઈ ગત સપ્તાહે કોલેજના વિદ્યાર્થીઓને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટે અપીલ કરવામાં આવી છે. ખાનગી બ્લડ બેંક સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, ગરમી, રોગચાળા સહિતના વિવિધ કારણસર અત્યારે બ્લડ યુનિટની તંગી વકરી છે, એમાંય નેગેટિવ ગ્રૂપમાં ખાસ્સી અછત વર્તાઈ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં પોસ્ટર અને ચિઠ્ઠીવોર તેજીમાં
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી બ્લડ યુનિટ મંગાવવા પડયા હતા
બ્લડ બેંકમાં રોજના પાંચથી સાત દર્દી ‘ઓ નેગેટિવ’ બ્લડ માટે આવી રહ્યા છે. સગર્ભા મહિલાઓ, અકસ્માત, સર્જરી, થેલેસેમિયાગ્રસ્ત બાળકો સહિતના કિસ્સામાં રક્તની જરૂરિયાત પડતી હોય છે. બીજી બાજુ રેડક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે, જરૂરિયાત પ્રમાણે જથ્થો મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં ગુજરાતમાં લોહીની તંગી ઊભી થઈ હતી, એ વખતે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી બ્લડ યુનિટ મંગાવવા પડયા હતા.