
Gujarat Data Center Policy 2026-29: ગુજરાતને દેશના અગ્રણી ડેટા સેન્ટર હબ તરીકે વિકસાવવાના હેતુ સાથે રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ જાહેર કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવી પોલિસીનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નવી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના સૌથી મોટા ડેટા ઉપયોગકર્તા અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા એક મહત્વપૂર્ણ સંપત્તિ બની ગયો છે અને ડિજિટલ અર્થવ્યવસ્થાના વિકાસમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ડિજિટલ સેવાઓ જેવા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આ વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડિજિટલ ઈકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે આ નવી પોલિસી અમલમાં મૂકી છે.
ડેટા સેન્ટર ક્ષેત્રમાં 6 લાખ કરોડના રોકાણની શક્યતા
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે આ પોલિસીને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગેમ-ચેન્જર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં ડેટા સેન્ટર્સની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નવી પોલિસી હેઠળ ગુજરાતમાં અંદાજે રૂ. 6 લાખ કરોડનું રોકાણ આવવાની અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઉભી થવાની શક્યતા છે. રાજ્ય પાસે વિશાળ દરિયાકાંઠો, સૌર અને પવન ઊર્જાના સ્ત્રોત હોવાથી ડેટા સેન્ટર માટે જરૂરી વીજળી અને પાણીની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા પણ છે.
ધોલેરા બનશે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતની વિશ્વસનીયતા અને રોકાણકારોના વિશ્વાસના કારણે પોલિસી જાહેર થતાં પહેલાં જ મોટી કંપનીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
તેમણે જણાવ્યું કે, ધોલેરામાં ડેટા સેન્ટર માટે પોલિસીમાં નક્કી કરાયેલી ક્ષમતાની સરખામણીએ બમણી માંગ જોવા મળી રહી છે. જેના કારણે ધોલેરા વિશ્વનું સૌથી મોટું ‘ડેટા સેન્ટર સિટી’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ધોલેરાને ભવિષ્યમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC)ના હેડક્વાર્ટર તરીકે વિકસાવવાની દિશામાં પણ સરકાર કામ કરી રહી છે. ધોલેરાની કનેક્ટિવિટી વધારવા માટે નવું એરપોર્ટ અને અમદાવાદ-ધોલેરા વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
ગ્રીન એનર્જી અને પાણી વ્યવસ્થાપન પર ભાર
નવી ડેટા સેન્ટર પોલિસીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને સસ્ટેનેબિલિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પોલિસી હેઠળ ડેટા સેન્ટરમાં ઉપયોગ થતી કુલ ઊર્જામાંથી ઓછામાં ઓછી 51 ટકા ઊર્જા ગ્રીન એનર્જીમાંથી મેળવવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત ડેટા સેન્ટરો માટે પાણીની જરૂરિયાત પૂરી કરવા ખેડૂતો અથવા અન્ય ઉદ્યોગોના પાણી પર અસર ન થાય તે માટે દરિયાના પાણીને મીઠું બનાવવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાતમાં 8 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતને AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવા માટે આ પોલિસી મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું કે, ગુજરાતને કુલ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર પ્રસ્તાવો મળ્યા છે, જેમાંથી આગામી સમયમાં 8 ગીગાવોટ સુધીની ક્ષમતા વિકસાવવાનું આયોજન છે. આ માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું નહીં પરંતુ સમગ્ર AI ઈકોસિસ્ટમ તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
તેમણે કહ્યું કે, વિશ્વમાં ડેટા સેન્ટરની ક્ષમતાની સરખામણીએ ભારતમાં હજુ ઘણો વિકાસ કરવાની જરૂર છે. અમેરિકામાં હજારો ડેટા સેન્ટર્સ અને મોટી ક્ષમતા સામે ભારતની ક્ષમતા હજુ મર્યાદિત છે. ગુજરાત આ ક્ષેત્રમાં આગેવાની લેવા માટે તૈયાર છે.
રોકાણકારો માટે સરળ પ્રક્રિયા અને હેન્ડહોલ્ડિંગ વ્યવસ્થા
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડેટા સેન્ટર ક્ષેત્રમાં રોકાણકારો માટે પ્રક્રિયાઓ સરળ બનાવવા સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આગામી સમયમાં સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક યોજીને રોકાણકારોને જમીન અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવશે. ધોલેરામાં રોકાણ કરવા ઇચ્છતી કંપનીઓ માટે હેન્ડહોલ્ડિંગ કરવા અને દૈનિક પ્રક્રિયાઓ સરળ બનાવવા માટે સિનિયર નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવશે. નવી પોલિસી દ્વારા ગુજરાત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં દેશનું અગ્રણી કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: બોટાદના ખસ રોડ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો: એકનું મોત, બે ઈજાગ્રસ્ત











