- પાલિકાના નવા પદાધિકારીઓની પસંદગીનું સસ્પેન્સ મંગળવારે સવારે ખુલશે
- કયા કોર્પોરેટરના માથે પસંદગીનો કળશ ઢોળાશે તેને લઇ વિવિધ અટકળો
- સુરતમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે સુચિત સંકેત આપ્યા
ગુજરાતમાં પ્રદેશ ભાજપે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પદાધિકારીઓની પસંદગીને મુદ્દે નો-રિપિટેશનની ફોર્મ્યુલા જાહેર કરી છે. જેને પગલે સુરત મહાપાલિકામાં થનારી સત્તાની વહેંચણીમાં આગામી તા. 12મીને મંગળવારે કોની પસંદગી થાય છે? તેને લઇ વિવિધ અટકળોનો દોર જામ્યો છે.
આ પણ વાંચો: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: ગુજરાતમાં વર્ષે આત્મહત્યાના કેસ જાણી રહેશો દંગ
સુરતમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે સુચિત સંકેત આપ્યા
આવી સ્થિતિ વચ્ચે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે પદાધિકારીઓની સાથે સ્થાયી સમિતિના સભ્યો પણ રિપિટ નહીં થાય તેવો સુચિત સંકેત આપી દીધો છે. એટલું જ નહીં, વર્તમાન સ્થાયી સમિતિની ટીમમાં સમાવિષ્ટ કેટલાક ચહેરાઓને સારા પદ ઉપર પાર્ટી દ્વારા પ્રમોટ કરવામાં આવશે તેવો ઇશારો કરી કેટલાક રહસ્યો તરફ અંગુલી નિર્દેશ કરી દીધો છે.
કયા કોર્પોરેટરના માથે પસંદગીનો કળશ ઢોળાશે તેને લઇ વિવિધ અટકળો
સુરત મહાપાલિકાના પદાધિકારીઓની નવી ટર્મમાં ચહેરાઓની પસંદગીને મુદ્દે ઘમ્મર વલોણું ચાલી રહ્યું છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને શાસક પક્ષ નેતા સહિતના મોભાદાર હોદ્દા ઉપર કયા ચહેરાઓની પસંદગી થશે? સુરતી, સૌરાષ્ટ્રવાસી કે પરપ્રાંતિય સમાજમાંથી આવતા કયા કોર્પોરેટરના માથે પસંદગીનો કળશ ઢોળાશે તેને લઇ વિવિધ અટકળો તેજ બની રહી છે. પાલિકાના નવા પદાધિકારીઓની પસંદગીનું સસ્પેન્સ મંગળવારે સવારે ખુલશે. જોકે, આ પહેલા પસંદગીની રેસમાં આગળ દોડી રહેલા કોર્પોરેટરો માટે વધુ એક સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. વર્તમાન ટર્મના ચેરમેન પરેશ પટેલ અને સભ્યોની આ અંતિમ બેઠક હતી. બેઠક બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ કહ્યું કે, નવી ટર્મ સંપૂર્ણ પણે નવી હશે. વર્તમાન સ્થાયી સમિતિના એક પણ સભ્યનો નવી ટીમમાં સમાવેશ કરવામાં આવશે નહીં! સમિતિના અધ્યક્ષ સહિત સ્થાયી સમિતિની સંપૂર્ણ ટીમ નવી જ હશે.
વર્તમાન ટીમમાંથી કેટલાક ચહેરાઓની પાર્ટી દ્વારા સારા હોદ્દા ઉપર પસંદગી
સ્થાયી સમિતિ ચેરમેને આ મુદ્દે આગળ વધી કહ્યું કે, વર્તમાન ટીમમાંથી કેટલાક ચહેરાઓની પાર્ટી દ્વારા સારા હોદ્દા ઉપર પસંદગી કરી તેમને પ્રમોટ કરવામાં આવશે. સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા જાહેર થયેલી આ સુચિત હકીકત જાણી અનેક કોર્પોરેટરોના ચહેરા ઉપર મલકાટ છવાયો હતો. વધુમાં, શહેર ભાજપ કાર્યાલય ખાતે બપોરે સંકલન બેઠક મળી હતી. આ મિટિંગ દરમિયાન પણ પરેશ પટેલે સ્થાયી સમિતિની નવી ટીમમાં એક પણ જૂના સભ્યો રિપિટ થશે નહીં.