ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલી GST કૌભાંડ કરનારા પર તવાઇ

  • સુરત SGST વિભાગે આધારકાર્ડમાં બદલાયેલા મોબાઇલ નંબરોની તપાસ શરૂ કરી
  • તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી
  • ચીટરો દ્વારા લોકોને પ્રલોભન આપીને તેમના નંબરો ચેન્જ કરવામાં આવ્યા

ગુજરાતમાં આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલી GST કૌભાંડ કરનારા પર તવાઇ આવી છે. જેમાં આધારકાર્ડમાં બદલાયેલા 21 હજાર મોબાઇલ નંબર GSTના રડાર પર છે. મોબાઇલ નંબર બદલી ચીટરો અન્યના નામે બોગસ પેઢી બનવતા હતા. ભાવનગર બાદ સુરતમાં પણ GST વિભાગે તપાસ શરૂ કરી છે. તેમાં 30 આધારકેન્દ્રો પરથી મોબાઈલ નંબર ચેન્જ અંગેનો ડેટા મંગાવાયો છે.

આ પણ વાંચો: મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી, જાણો 19 ડેમમાં નવા નીરની આવક

સુરત SGST વિભાગે 21 હજાર આધારકાર્ડમાં બદલાયેલા મોબાઇલ નંબરોની તપાસ શરૂ કરી

SGST વિભાગે ગત ફેબ્રુઆરી મહિનામાં ચીટરો દ્વારા અન્ય લોકોના આધારકાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરાવી તેના આધારે બોગસ પેઢીઓ બનાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ હવે આધારકાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરાવનારાઓ સામે તપાસ શરૂ કરી છે. સુરત SGST વિભાગે 21 હજાર આધારકાર્ડમાં બદલાયેલા મોબાઇલ નંબરોની તપાસ શરૂ કરી છે. 21 હજાર નંબરો પૈકી જે નંબરો પર રજિસ્ટ્રેશન લેવામાં આવ્યા છે તેના પર તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી

સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ SGST વિભાગને ફેબ્રુઆરી મહિનામાં તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. જેમાં ચીટરો દ્વારા ગરીબ અને અભણ લોકોને લાલચ આપી તેમને આધારકાર્ડ સેન્ટર પર લઇ જતા હતા અને તેમના મોબાઇલ નંબરની જગ્યાએ નવો મોબાઇલ નંબર ચેન્જ કરાવી લેતા હતા. નવો નંબર ચેન્જ કરાવ્યા પછી GST રજિસ્ટ્રેશન માટેનો ઓટીપી ચીટર્સના મોબાઇલ પર આવતો હતો. જેના આધારે તેઓ બોગસ પેઢીઓ શરૂ કરી કરોડોનો ખેલ કરી રહ્યા હતા.

ચીટરો દ્વારા લોકોને પ્રલોભન આપીને તેમના નંબરો ચેન્જ કરવામાં આવ્યા

આ હકીકત પછી GST વિભાગ દ્વારા ભાવનગરમાં મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં કેટલીક પેઢીઓ આ રીતે જ રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. ભાવનગરમાં તપાસ પૂરી થયા બાદ હવે સુરતમાં SGST દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. GST વિભાગના અધિકારીઓએ શહેર અને જિલ્લામાં 30 જેટલા આધારકેન્દ્રો પરથી જે આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલાયા છે તેના ડેટા મંગાવ્યા હતા. જેમાં કુલ 21 હજાર આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે, કેટલાક લોકોએ વ્યક્તિગત કારણોસર પણ નંબર બદલી કરાવ્યા છે, પરંતુ GST ડિપાર્ટમેન્ટને આશંકા છે કે 21 હજાર પૈકી મોટી સંખ્યામાં એવા પણ કેસ છે કે જેમાં ચીટરો દ્વારા લોકોને પ્રલોભન આપીને તેમના નંબરો ચેન્જ કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ તેઓ બોગસ પેઢીઓ માટે કરી રહ્યા છે.

Back to top button