આજે રાજ્યમાં કોરોનાના નવા 456 કેસ સામે આવ્યા છે. જ્યારે આજે કોરોનાથી કોઈનું મરણ નથી નોંધાયું. ગઈકાલે 623 કેસ નોંધાયા બાદ આજે દૈનિક કેસમાં 167નો ઘટાડો નોંધાયો છે.
સ્વાસ્થ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, નવા નોંધાયેલા 456 દર્દીઓ પૈકી સૌથી વધુ 207 કેસ એકલા અમદાવાદમાંથી જ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 97, વડોદરામાં 41, ભાવનગરમાં 15 કેસ નોંધાયા છે. આ સિવાય કચ્છ, મહેસાણા, નવસારીમાં 13-13 કેસ, વલસાડમાં 12 અને ગાંધીનગરમાં 14 કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 386 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 12,19,293 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.83 ટકા પર પહોંચી ચૂક્યો છે.
છેલ્લી સ્થિતિ મુજબ, રાજ્યમાં કોરોનાના કુલ 3548 એક્ટિવ કેસો છે. જે પૈકી 3 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,947 નાગરિકોને ભરખી ચૂક્યો છે.
રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.