ગુજરાત: દંપતિએ મહિલાઓને સારા વળતરની લાલચ આપી રૂ.1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું
- લોન, મકાન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી
- દંપતિ છેતરપિંડી આચરી ભૂગર્ભમાં ઉતરી જતાં ચકચાર મચી
- અગાઉ ધ્રાંગધ્રા પોલીસ મથકે છેતરપિંડી અંગે અરજી આપી હતી
ગુજરાતમાં આવેલા ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાંથી બનાસકાંઠાના દંપતિએ પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓ.માં સારૂ વળતરના નામે અંદાજે રૂ.1 કરોડથી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી ભૂગર્ભમાં ઉતરી જતાં ચકચાર મચી ગઈ છે.
ધ્રાંગધ્રા પોલીસ મથકે છેતરપિંડી અંગે અરજી આપી હતી
સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં કંપનીની ઓફિસમાં તાળા મારી દંપતિ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એજન્ટોએ કંપનીના વહિવટકર્તા, સીઈઓ અને ચેરમેન સામે ગત જુન મહિનામાં ધ્રાંગધ્રા પોલીસ મથકે છેતરપિંડી અંગે અરજી આપી હતી પણ કોઇ પગલાં નહીં ભરતાં રોકાણકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લોન, મકાન સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રહેતી મહિલાઓ અને વૃધ્ધોને ગામમાં જ રહેતી ત્રણ મહિલા એજન્ટો ઈન્દુબેન, સુશીલાબેન અને સવિતાબેનએ પાલનપુર ખાતે હેડ ઓફીસ અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પણ તેની બ્રાન્ચ ધરાવતી પ્રસિધ્ધી નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (પ્રસિધ્ધ નિર્માણ ગ્રુપની) કંપનીમાં માસીક રોકાણ કરવાની વાત કરી હતી અને અલગ-અલગ રકમ દર મહિને જમા કરાવવાનું જણાવ્યું હતું તેમજ 6 વર્ષની મુદ્દત સુધી રૂપિયા જમા કરાવ્યા બાદ વ્યાજ સાથે વધુ રકમ તેમજ લોન, મકાન સહિતની ચીજવસ્તુઓ કંપની દ્વારા આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી હતી.
દર મહિને 500 તેમજ અમુક મહિલાઓ દર મહિને 1000 રૂપિયા જમા કરાવતી
મહિલા એજન્ટોના વિશ્વાસમાં આવી મેથાણ ગામની અંદાજે 90થી વધુ મહિલાઓએ પોતાની બચતના તેમજ પરચુરણ કામ દ્વારા એકત્ર કરેલ આવક અંદાજે 6-7 વર્ષ પહેલા એજન્ટ મારફતે કંપનીમાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં ગામની અમુક મહિલાઓ દર મહિને 500 તેમજ અમુક મહિલાઓ દર મહિને 1000 રૂપિયા જમા કરાવતી હતી જેની એજન્ટો દ્વારા દર મહિને જમા કરાવ્યાની પહોંચ પણ રોકાણકારોને આપવામાં આવતી હતી.
છેતરપિંડીની રકમ કરોડોને પાર પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે
ગામની મહિલાઓએ રૂપિયા 500 લેખે 6 વર્ષ માટે રૂા.36,૦૦૦ પ્રતિ મહિલા દીઠ અને રૂા.1,૦૦૦ લેખે 6 વર્ષના રૂા.72,૦૦૦ પ્રતિ મહિલા દીઠ પ્રસિધ્ધિ નિર્માણ કંપનીમાં જમા કરાવતા હતા. જ્યારે મહિલા એજન્ટો દ્વારા રકમ જમા કરાવનાર મહિલાઓને 6 વર્ષની મુદ્દત પૂર્ણ થયા બાદ રૂપિયા 36,૦૦૦ના રૂા.49,5૦૦ અને રૂા.72,૦૦૦ના રૂા.98,5૦૦ પરત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલ માત્ર મેથાણ ગામમાંથી જ 90થી વધુ મહિલાઓને કંપનીમાં રોકાણ કરાવી અંદાજે રૂા.1 કરોડથી વધુનું છેતરપિંડી કૌભાંડ બહાર આવ્યું છે જ્યારે જિલ્લાના અન્ય ગામોમાં પણ તપાસ કરવામાં આવે તો છેતરપિંડીની રકમ કરોડોને પાર પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: તાંત્રિકે એક કા ચારની લાલચ આપી ફેક્ટરી માલિક સાથે મોતનું ષડયંત્ર રચ્યું