રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ બન્યો છે અને તેના કારણે લોકો પરેશાન છે ત્યારે કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં આજે ફરી કોરોનાના કેસ 800ને પાર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 822 કેસ નોંધાયા છે. તો, 612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે, ચિંતાજનક વાત એ છે કે આજે કોરોનાને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો છે.
બીજી તરફ કોરોના કેસ વધવાની સાથે કોરોનાનો રીકવરી રેટ પણ ઘટ્યો છે. આજે કોરોના રીકવરી રેટ ઘટીને 98.76% થયો છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 92 કેસ, મહેસાણામાં 41, વડોદરામાં 78,ભાવનગરમાં 57, રાજકોટમાં 47, કચ્છમાં 18, અમરેલીમાં 14, અને ગાંધીનગરમાં 55 કેસ સામે આવ્યા છે.
છેલ્લી સ્થિતિ મુજબ, રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો વધીને 4482 થઈ ગયા છે. જે પૈકી 3 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 12,25,875 દર્દીઓએ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,953 નાગરિકોને ભરખી ચૂક્યો છે.