ટોપ ન્યૂઝનેશનલ

શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન! સુરતથી પકડાયેલો ડ્રગ પેડલર ફૈઝલ મોમિન કથિત રીતે આફતાબને ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો

સુરત/નવી દિલ્હીઃ શ્રદ્ધા મર્ડર કેસમાં હવે ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. આ પહેલાં પોલીસ-તપાસમાં એવું સામે આવ્યું હતું કે આફતાબ ડ્રગ્સ લેતો હોય એવી શક્યતા છે. આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ-પેડલરની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાતએ છે કે ડ્રગ-પેડલર સુરતનો છે. ડ્રગ- પેડલર ફૈઝલ મોમિનની ધરપકડ કરવામાં આવી છે.

પોલિગ્રાફ સેશન, નાર્કો ટેસ્ટ અને પૂછપરછની વચ્ચે પોલીસ હવે આરોપી આફતાબ સામે ડ્રગ્સના સેવનના આરોપોની તપાસ કરશે. આફતાબ હાલ તિહાર જેલમાં બંધ છે અને CCTVની દેખરેખ હેઠળ છે, તે કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો.

ડ્રગ પેડલરની 20મી તારીખે થઈ હતી ધરપકડ
20મી નવેમ્બરે સુરત ક્રાઈમ બ્રાંચે મુંબઇથી 4 ડ્રગ્સ પેડલરોને ધરપકડ કરી હતી,  જેમાં એક ફૈઝલ મોમીન પણ ઝડપાયો હતો. પોલીસને શંકા છે કે તે આફતાબને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

ફૈઝલ મોમીન મુંબઈના વસઈ વેસ્ટમાં રહેતો હતો, આ જ વિસ્તારમાં આફતાબ શ્રદ્ધા સાથે દિલ્હી શિફ્ટ થતાં પહેલાં ભાડે રહેતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વસઈ પોલીસની તપાસમાં આફતાબ ફૈઝલ મોમીનના ઘરે ઘણી વખત ગયો હોવાની માહિતી સામે આવી છે.

ફૈઝલના કોલ રેકોર્ડની તપાસ
ગુજરાત પોલીસ હવે ફૈઝલના કોલ રેકોર્ડની તપાસ કરશે જેથી આફતાબ તેના સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો તે સામે આવશે. ઉલ્લેખનીય છે કે, આફતાબ અને શ્રદ્ધાના ઘણા મિત્રોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે આફતાબ ડ્રગ્સનું સેવન કરતો હતો.

આજે ફરી થશે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ
શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાનો આજે રોહિણી ખાતે FSLમાં ફરીથી પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવશે. આ પહેલા શુક્રવારે તેનો છેલ્લી વખત ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં તાવને કારણે ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં પોલીગ્રાફ ટેસ્ટની બાકીની પ્રક્રિયા સોમવારે પૂર્ણ થશે.

નાર્કો ટેસ્ટ પણ થઇ શકે છે, તૈયારીઓ પૂર્ણ
સોમવારે જ બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં તેનો નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે. બંને ટેસ્ટ માટે ફોરેન્સિક એક્સપર્ટ અને આંબેડકર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમોએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કહેવાય છે કે અત્યાર સુધી કરવામાં આવેલા પોલીગ્રાફ ટેસ્ટના તારણોના આધારે લગભગ 75 પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. જેના દ્વારા આફતાબ પાસેથી પ્રિ-પ્લાન અને મર્ડર પછીના પ્લાનની સંપૂર્ણ સત્યતા કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે.

રોહિણી FSLના એડિશનલ ડાયરેક્ટર ડો. સંજીવ ગુપ્તાના જણાવ્યા અનુસાર પોલીગ્રાફ ટેસ્ટના છેલ્લા સત્રમાં સોમવારે આફતાબનો ટેસ્ટ કરવામાં આવશે. આ પછી નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે.

Back to top button