કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદઃ અમદાવાદ શહેર પ્રમુખનું રાજીનામુ
ગુજરાત કોંગ્રેસની સમસ્યાઓનો અંત જ નથી આવી રહ્યો. એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. આંતરિક અસંતોષના કારણે ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જુથવાદ ચરમસીમાએ છે આ ઉપરાંત કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિ ખુબ જ ડામાડોળ છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં પર્યવેક્ષક સહિતના રાજસ્થાનથી નિમાયેલા નેતાઓ પણ સ્થાનિક સ્તરે ચાલી રહેલી દંગલમાં વ્યસ્ત છે. તેવામાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિ પણ ડામાડોળ બની છે.
ચેતવ રાવલના રાજીનામા બાદ કોંગ્રેસમાં સન્નાટો
આજે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવળે પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું હતું. જો કે તેઓ અન્ય કોઇ પક્ષમાં જોડાઇ રહ્યા છે કે કેમ તે અંગે કોઇ ફોડ પાડ્યો નથી પરંતુ ટ્વીટ કરીને પોતે કોંગ્રેસનાં તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યા હોવાની જાણ કરી હતી. આ ઉપરાંત તેમનું રાજીનામું આપતો પત્ર હાલ વાયરલ થઇ રહ્યો છે. જોકે તેમાં તેમણે માત્ર એક જ લાઇનમાં પોતે તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યા છે તેવો ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસ ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કોંગ્રેસમાં હાલ ખુબ જ ડખા ચાલી રહ્યા છે. અનેક નેતાઓ વચ્ચે હુંસાતુંસી ચાલી રહી છે. જેના કારણે કોંગ્રેસમાં અનેક નેતાઓ પોતાને અન્યાય થઇ રહ્યો હોય તેવું અનુભવી રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનું બરોબર ચૂંટણી પહેલા રાજીનામું એક મોટો પડકાર છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસની પકડ પહેલાથી જ નબળી છે તેમાં પ્રમુખનું રાજીનામું મોટો પડકાર સાબિત થઇ શકે છે.