લોકસભાની ચૂટણીને લઈને ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ શરુ, સમગ્ર રાજ્યમાં કરશે પદયાત્રા
HD ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં નાનાથી લઈ મોટા દરેક પક્ષો મેદાનમાં ઉતરી જતા હોય છે. એવામાં વિધાનસભાની ચૂટણીમાં કોંગ્રેસને માત્ર 17 સીટો જ મળતાં કોંગ્રેસના કાર્ય કરતાઓમાં પણ નિરાશાની લાગણી પસરી ગઈ હતી. ત્યાર બાદ ગુજરાત કોગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો છે. જ્યારથી શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પર બેઠા છે ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે.
આજે 16 ઓગષ્ટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. તે ઉપરાંત નવા સંગઠનને લઈને પણ તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે.
હોદ્દેદારો કામ કરો નહીતર જગ્યા ખાલી કરો- શક્તિસિંહ ગોહિલ
મળતી માહિતી પ્રમાણે આજે ગુજરાત કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત તમામ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં લોકસભાની આવનારી ચૂંટણીને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી છે. કોંગ્રેસના સુત્રો જણાવે છે કે, કાર્યકરોને કામ કરવા શક્તિસિંહ ગોહિલએ કડક શબ્દોમાં કહ્યું છે. હવે આગામી સમયમાં પક્ષના જે હોદ્દેદારો છે તેમની જવાબદારીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.
20 ઓગસ્ટથી ગુજરાતમાં કોંગ્રેસ પદયાત્રા શરૂ કરશે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો ભાગ ગુજરાતથી શરૂ કરવાની તાજેતરમાં જ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે હવે આગામી 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિથી કોંગ્રેસ પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે. જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવામાં આવશે.
આ પણ વાંચો: AAP સાથે ગઠબંધન અંગે કોંગ્રેસનો શું છે પ્લાન? રાહુલ ગાંધીનું મહત્વપૂર્ણ નિવેદન