અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી, 10 જિલ્લા પ્રમુખો સહિત ઈલેક્શન કમિટી જાહેર કરી

અમદાવાદ, 8 ડિસેમ્બર 2023: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યાં છે. ત્યારે હવે તેમણે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના 10 જિલ્લામાં નવા પ્રમુખની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં લોકસભાની એક પણ સીટ જીતી શકી નથી. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભોપાળુ વાળ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં લાગેલી કોંગ્રેસ હવે કેટલી બેઠકો મેળવશે એવા સવાલો થઈ રહ્યાં છે.

જિલ્લા પ્રમુખો સિવાય પ્રદેશ ચૂંટણી કમિટીની પણ જાહેરાત
ગુજરાત કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખો સિવાય પ્રદેશ ચૂંટણી કમિટીની પણ જાહેરાત કરી છે. જેમાં 40 સ્થાનિક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલિટીકલ અફેર્સ કમિટીમાં 17 નેતાઓને સ્થાન અપાયું છે. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત આમઆદમી પાર્ટીમાંથી મોટા ગજાના કાર્યકરોને કોંગ્રેસમાં ભેળવવામાં આવ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠકો મેળવવા માટે પ્રયાસો કરી રહી છે.

કોંગ્રેસ દ્વારા ખાસ બેઠકો નક્કી કરવામાં આવી
કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક મેળવી શકી નથી. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા ખાસ બેઠકો નક્કી કરવામાં આવી છે. જ્યાં જોર લગાવીને જીત મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. તે સિવાય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો પણ ગુજરાતથી શરૂ કરવા માટેના પ્રયાસો પણ તેજ કરી દેવાયાં છે. દેશનાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બે રાજ્યોમાંથી સરકાર ગુમાવી છે અને મધ્યપ્રદેશમાં ગત ટર્મ કરતા પણ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે માત્ર તેલંગાણામાં સરકાર બનાવી છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી ગુજરાતમાં શું ફેર પડશે એ તો સમય બતાવશે. પરંતુ કાર્યકરોમાં રહેલાં જૂથવાદ અને અસંતોષને ખાળવા માટે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કેટલા સફળ થાય છે એની ચર્ચાઓ વધુ પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ મેટ્રો ટ્રેનના ફેઝ-2ની કામગીરીની સમીક્ષા કરીને ટેકનીકલ વિગતો મેળવી

Back to top button