અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતઃ દહેજ અને સાયખા GIDCમાં કરોડોના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ, 16 જૂન, 2024: ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસી (Gujarat Industrial Development Corporation)માં પ્રથમ તબક્કે ૩ અબજ ૫૦ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ અને સિલસિલાબંધ હકીકતો પ્રેસ અને મીડિયાને આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયે કહેતી હતી કે “ભરોસાની ભાજપ” તે હવે “ભ્રષ્ટાચારની ભાજપ” બની છે.

ભાજપે જાહેર સાહસોને ભ્રષ્ટાચારનું સાધન બનાવ્યું
જાહેર સાહસો ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે આઝાદી પછી જનસેવા, જનકલ્યાણ અને સંતુલિત વિકાસ માટે જાહેર સાહસો બનાવવામાં આવ્યા હતા. જનસેવાની સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને થતું હતું. ભાજપ દ્વારા આ જાહેર સાહસોએ જનસેવાનું સાધન નહીં પરંતુ જથ્થાબંધ ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે.

GIDC માં 15 અબજ 70 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર
ભાજપ સરકારે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં પહેલે તબક્કે ૩ અબજ અને ૫૦ કરોડ તથા બીજા તબક્કામાં ૧૨ અબજ અને ૨૦ કરોડથી વધારેના ભ્રષ્ટાચારના જે ષડયંત્ર કર્યા છે તેની સિલસિલાબંધ વિગતો પ્રેસ અને મીડિયામાં શક્તિસિંહ ગોહિલે આપી હતી. જીઆઈડીસીને અવિકસિત વિસ્તારમાં સ્થાપીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પ્લોટ જંત્રી ઔદ્યોગિક દરથી આપવામાં આવતા હતા. જ્યારે જીઆઈડીસી વિકસિત બને અને ૯૦% પ્લોટ ફળવાય ત્યારે એ જીઆઈડીસીને સેચ્યુરેટેડ (સંતૃપ્ત ઝોન) તરીકે જાહેર કરવાની એક સ્થાપિત નીતિ ગુજરાતમાં રહી છે અને આવા સેચ્યુરેટેડ ઝોનમાં જરા ભાવે નહીં પરંતુ જે ઔદ્યોગિક ભાવ એ જંત્રીનો ભાવ હોય તેમાં ૨૦% ઉમેરીને ત્યારબાદ જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવી શકાય.

કેવી રીતે થયો ભ્રષ્ટાચાર? જાણો શું કહ્યું કોંગ્રેસ પ્રમુખે

શક્તિસિંહ ગોહિલે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું ભ્રષ્ટાચાર માટેના ષડયંત્રની શરૂઆત એ રીતે થાય છે કે તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ દહેજ અને સાયખામાં ક્રમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે જીઆઈડીસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને ત્યાંનો બેઠો ભાવ રૂ. ૨૮૪૫ પ્રતિ ચો.મી. છે. અરજીઓ મંગાવ્યા બાદ તા. ૨૭-૭-૨૦૨૩ના રોજ એક પરિપત્ર એટલે કે માત્ર ત્રણ મહિનામાં જ પરિપત્ર કરીને જીઆઈડીસીએ કહ્યું કે નિગમની ૫૧૮મી નિયામક મંડળની સભામાં નક્કી થયું છે કે દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણવો. એટલે કે બેઠા ભાવે જમીન ફાળવી શકાય નહીં અને અગાઉ જે કંઈ અરજીઓ તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ માંગવામાં આવી હતી તે રદ્દ કરવામાં આવે છે અને હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં ૨૦% ઉમેરીને પછી જાહેર હરાજીથી જ પ્લોટ ફળવાશે તથા નિયમ મુજબ સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારને નામે પ્લોટ તબદીલ થશે નહીં.

આ પ્રકારનો પરિપત્ર કર્યા બાદ જે જૂની અરજીઓ આવી હતી એ બધા સાથે ખૂબ મોટાપાયે વાટાઘાટો અને વહીવટ થયા બાદ જે ભ્રષ્ટાચારનું ષડયંત્ર બન્યું તે એ મુજબ છે કે જો હરાજી કરવામાં આવે તો આ વિસ્તારમાં એક ચો.મી.ના ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા ઊભા થાય તેવી પરિસ્થિતિ છે. થોડા સમય પહેલાં એટલે કે એક વર્ષ પહેલાં એશિયન પેઈન્ટ્સ દ્વારા આ જ વિસ્તારમાં પ્લોટ ખરીદવામાં આવ્યો તેની કિંમત રૂ. ૮,૦૦૦થી વધારે તેને ચૂકવવી પડી હતી. દહેજ અને સાયખા કરતાં વધારે અંદર આવેલા અને પૂરતી સુવિધા નહીં ધરાવતા વિસ્તાર એવા ઝઘડિયા અને પાનોલીમાં પણ ૬,૦૦૦ થી ૭,૫૦૦ હજાર રૂપિયાનો ભાવ કેમિકલ ઝોનમાં પ્લોટનો ૨૦૨૨માં હરાજીમાં સરકારને પ્રાપ્ત થયો હતો. તો અહીં હરાજી થાય તો ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી.ના મળે.

આ રીતે જો જાહેર હરાજી થાય તો જે પ્લોટની જમીનોની હરાજી કરવાની થાય છે તે પ લાખ ચો.મી. અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન આપવાની થાય. અને આમ સરકારને ખૂબ સારી આવક સરકારને થઈ શકે પરંતુ ષડયંત્રના ભાગરૂપે બધા સાથે મોટો વહીવટ કરીને જીઆઈડીસીએ જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી જ આપી શકાય એમ હતી એ પરિપત્રને માત્ર છ જ મહિનામાં એટલે કે તા. ૮-૨-૨૦૨૪ના રોજ ઉલટાવી નાંખીને એવો પરિપત્ર કર્યો કે દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ઝોનને હવે અનસેચ્યુરેટેડ તરીકે જાહેર કરી દેવામાં આવે છે અને પરિપત્રનો સીધો અર્થ એ થઈ ગયો કે હવે પ્લોટોની હરાજી નહીં કરવાની અને ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી. ઉપજવાના હોય ત્યાં માત્ર રૂપિયા 2845 પ્રતિ ચોરસ મીટર નો ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય અને આ માટેના બધા અધિકારો પણ પરિપત્ર દ્વારા જીઆઈડીસીના ઉપાધ્યક્ષને આપી દેવામાં આવ્યા. આના કારણે જે ૫ લાખ ૨૫ હજાર ચો.મી. જમીન પહેલા ફેઝમાં આપવાની થાય જેના કારણે સરકારની તિજોરી ઉપર ૩ અબજ ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન આવે અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન એટલે ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાનું નુકસાન સરકારને થાય. આ એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે અને એટલા માટે અમારી માંગણી છે કે માત્ર છ જ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે એફ.આઈ.આર. કરવામાં આવે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ વસંત વ્યાયામ શાળા ખાતે અખાડાની વિવિધ કરતબનું કરાયું આયોજન

Back to top button