ગુજરાતમાં ‘ફરજિયાત ગુજરાતી’નો કાયદો ઘડાશે. જેમાં વિધેયક રજૂ થાય તે પહેલાં 10 મોટા સુધારા કરવામાં આવ્યા છે. તેમજ શિક્ષણ વિભાગના મંત્રીઓ અને સેક્રેટરીઓ તૈયાર કરેલો આખેઆખો ડ્રાફ્ટ બદલવા ફરજ પાડવામાં આવી છે. તથા ધો.3થી 8ને બદલે હવે પહેલા ધોરણથી જ ફરજિયાત ગુજરાતી ભણાવવાની કલમ ઉમેરાઈ છે. સવારે વિધેયક ગૃહમાં રજૂ થાય તે પહેલા પ્રભારી મંત્રી ડિંડોરને સુધારો દાખલ કરવો પડયો છે.
વિધાનસભામાં નવો કાયદો ઘડવા વિધેયક રજૂ થવાનું છે
વિધાનસભામાં ગત સપ્તાહે રજૂ થયેલા ગુજરાત જાહેર પરીક્ષા ગેરરરીતિ રોકવા બાબતોના વિધેયકમાં છેલ્લી ઘડીએ સુધાર્યા બાદ વધુ એક વિધેયકમાંથી અસંખ્ય ભૂલો બહાર આવી છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા ફરિજીયાત ભણાવવા મંગળવારે સવારે વિધાનસભામાં નવો કાયદો ઘડવા વિધેયક રજૂ થવાનું છે. તે પહેલા સોમવારે મુખ્યમંત્રી કાર્યાલય- CMOએ આ વિધેયકમાં રહેલી ભૂલો શોધીને 10 મોટા સુધારા કરાવ્યા છે. દિવસભર ચાલેલી આ પ્રક્રિયાને અંતે મોડીરાતે ”ગુજરાત ફરિજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક- 2023”માં સુધારો દાખલ કરાયો છે.
તૈયાર કરેલા ડ્રાફ્ટમાં ભૂલો નિકળતા વિધેયકના પ્રભારી મંત્રી કુબેર ડિંડોરને સુધારો દાખલ કરવાની ફરજ પડી
જેમાં ધોરણ ત્રણથી આઠને બદલે હવે પ્રારંભિક શિક્ષણ અર્થાત પહેલા ધોરણથી જ ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની કલમ ઉમેરવામાં દરખાસ્ત કરાઈ છે. કહેવાય છે કે, વિધેયક તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગના મંત્રી અને સેક્રેટરીઓને જવાબદારી સોંપાઈ હતી. જેમણે તૈયાર કરેલા ડ્રાફ્ટમાં ભૂલો નિકળતા વિધેયકના પ્રભારી મંત્રી કુબેર ડિંડોરને સુધારો દાખલ કરવાની ફરજ પડી છે. અત્રે નોંધનિય છે કે, સામાન્યતઃ કાયદો અમલમાં આવ્યા બાદ તેમાં અનિવાર્ય સંજોગોને આધારે સુધારા થતા હોય છે પરંતુ, અહી તો સૂચિત કાયદાનો મુસદ્દો ગૃહમાં ચર્ચામાં જાય તે પહેલા જ સુધારા થઈ રહ્યા છે.