છેલ્લા એક મહિનાથી સિંગતેલના ભાવમાં થયેલા ભડકા માટે મુખ્યત્વે ચીન જવાબદાર છે. સિંગતેલમાં છેલ્લા દિવસોમાં ચીનની ભારે લેવાલી નીકળતાં ભાવમાં બેફામ વધારો થયો છે. બીજી તરફ સાઈડ તેલોના ભાવ ઘટતાં હવે સિંગતેલમાં ભેળસેળની શક્યતા વધી ગઈ છે. જો કે તંત્ર એક શંકા એવી પણ સેવી રહ્યું છે કે નફાખોરી માટે તેલિયારાજઓએ સંગ્રહાખોરી કરી હોય તેવું પણ બની શકે.
આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, ફરાળ માટેની સામગ્રીના વેચાણમાં વધારો
સિંગતેલનો વધેલો વપરાશ પણ ભાવવધારા માટે થોડાઘણા અંશે જવાબદાર
એક સમયે સિંગતેલની લગોલગ રહેલા કપાસિયા તેલના ડબાનો ભાવ 2 હજાર રૂપિયા પર આવી ગયો છે અને સિંગતેલ 3 હજાર રૂપિયા ઉપર છે. આથી હવે સિંગતેલમાં કપાસિયા તેલની ભેળસેળ ફરી શરૂ થશે. કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન થતાં કપાસિયા તેલનો ત્યાગ કરીને સિંગતેલ તરફ વળ્યાં છે. જેના લીધે સૌરાષ્ટ્રમાં ગામેગામ મીની ઓઈલમીલોનો રાફડો ફાટયો છે. જે પોતાની રીતે જ છુટક વેચાણ કરી રહ્યાં છે. આમ સિંગતેલનો વધેલો વપરાશ પણ ભાવવધારા માટે થોડાઘણા અંશે જવાબદાર છે.
સીંગતેલ, રાંધણ ગેસ, દૂધ, શાકભાજીના ભાવમાં વધારો
રાજ્યમાં મગફળીના ઉત્પાદનમાં મબલખ વધારો થવા છતાં સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે સીંગતેલનો ડબ્બો રૂ. ૩૦૦૦ની સપાટીએ પહોંચી ગયો છે. રાંધણ ગેસ, દૂધ, શાકભાજી વગેરેના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેથી સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવાયું છે. તહેવારોના સમયે ભાવમાં વધારો થતાં લોકો મન મૂકીને ઉજવણી પણ કરી શકતા નથી. તેમજ તહેવારોમાં સદાવ્રત અને ભંડારા ચલાવતી સંસ્થાઓ, મંદિરો અને ભક્તોને પણ મોંઘવારીનો સામનો કરવો કઠિન થઈ ગયો છે.
સિંગતેલમાં ચીનની લેવાલી મોટાપાયે નીકળી
સામાન્ય રીતે ખરીફ સિઝન બાદ મગફળીનો પાક બજારમાં આવી જાય એટલે સિંગતેલના ભાવ ઘટતાં હોય છે. આ વર્ષે ખરીફ સિઝનમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. આમ છતાં ભાવો ઘટવાના બદલે જેટ ગતિએ વધી રહ્યાં છે. હાલમાં સિંગતેલનો ડબાનો ભાવ 3 હજાર રૂપિયાને પાર કરી ગયો છે, અને હજુ વધવામાં છે. ભાવવધારાના આ રાજકારણ પાછળ ક્યુ તત્વ જવાબદાર છે તે ચકાસતાં જાણવા મળ્યું હતું કે ચીન છેલ્લા બે વર્ષથી સિંગતેલની ખરીદીમાંથી પાછું હટી ગયું હતું. પરંતુ ચાલુ વર્ષે છેલ્લા થોડા દિવસોથી સિંગતેલમાં ચીનની લેવાલી મોટાપાયે નીકળી છે. જેના કારણે ભાવો ઉંચકાયા છે.