અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતે 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે: CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 31 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા પ્રેરક આહવાન કર્યું હતું. લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે જ એમ તેમણે જણાવ્યું હતું. ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સખી સંવાદમાં 28 હજાર સ્વ-સહાય જૂથોની પોણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને 350 કરોડના સહાય લાભનું મુખ્યમંત્રીએ વિતરણ કર્યું હતું.

નાની-મોટી સમસ્યા હલ કરવા માટે સરકાર પ્રયત્નશીલ
તેમણે ડાંગ આહવાથી લઈને બનાસકાંઠા-વડુ અને પંચમહાલથી પોરબંદર સુધીના જિલ્લાઓની 17 જેટલી ગ્રામ્ય સખીમંડળ બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમની સફળતા ગાથા જાણી હતી.સખીમંડળ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા સાથે પ્રોડક્ટ્સ માર્કેટિંગમાં આવતી નાની-મોટી સમસ્યા હલ કરવા માટે પણ સરકાર પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. મુખ્યમંત્રીએ અર્થતંત્રમાં મહિલાઓના યોગદાનને વેગ આપવા સાથે વુમન એમ્પાવરમેન્ટ માટે વડાપ્રધાને ‘ગ્યાન’ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ ચાર સ્તંભના વિકાસ પર દેશની વિકાસગતિ તેજ બનાવવા નિર્ધાર કર્યો છે તેમ જણાવ્યું હતું.

7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે ૩ લાખ કરોડની વિવિધ યોજનાઓ આપી છે. દેશભરમાં માતા-બહેનોને આર્થિક રીતે પગભર કરવા 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે અને ગુજરાતે આવી 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકારે નવી ખરીદ નીતિ અંતર્ગત GEM પોર્ટલ પર ઓનલાઈન ખરીદીમાં પણ મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીના ઉત્પાદનની ખરીદીને પ્રોત્સાહિત કરવાની જોગવાઈઓ કરી છે. તેમણે વિકસિત ભારત@2047ના નિર્માણમાં ગ્રામીણ નારીશક્તિ સ્વ-સહાય જૂથોનું યોગદાન મહત્વનું બની રહેશે તેઓ વિશ્વાસ દર્શાવ્યો હતો.

મહિલાઓને 350 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં આશરે 31 લાખ મહિલાઓને આવરી લેતા 3 લાખ જેટલા સ્વ-સહાય જૂથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના 28 જિલ્લામાં ગ્રામિણ તાલીમ સ્વરોજગાર સંસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તાલીમ કેન્દ્રોમાં અત્યાર સુધી આશરે 3.13 લાખથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથોની આશરે 2.80 લાખથી વધુ મહિલાઓને 350 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વ-સહાય જૂથની 500 મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃત્તિમાં જોડવા માટે પીડીલાઈટ કંપની સાથે રાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ MoU સાઈન કર્યા હતા.

આ પણ વાંચોઃસૌથી વધુ MSME એકમોની નોંધણીમાં દેશના 10 જિલ્લાઓમાં સુરત અને અમદાવાદનો સમાવેશ

Back to top button