રાજ્યના મહિલા ધારાસભ્યોને મહિલા દિવસને લઈ મુખ્યપ્રધાને શું આપી મોટી ભેટ?


- ૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે
- મહિલા ધારાસભ્યઓએ મુખ્યપ્રધાનને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો
- વધારાની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા મહિલા વિધાયકોને મુખ્યપ્રધાનનો અનુરોધ
ગાંધીનગર, તા. 11 માર્ચ, 2025: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યનાં મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે.મુખ્યપ્રધાને ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં ૨૦૨૫-૨૬ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૪ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના મત વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ વિકાસ કામો માટે વધારાના રૂ.૨ કરોડની ગ્રાન્ટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે. રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતાં મહિલા ધારાસભ્યઓએ મુખ્યપ્રધાનના આ વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભા કાર્યાલયમાં તેમને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યપ્રધાને આ વધારાની રૂ. ૨ કરોડની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય ૫૦ લાખ રૂપિયા “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદી જળસંચય અને જળસિંચન માટે દેશવાસીઓને કરેલા આહવાનને સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ ભાજપના આ ખ્રિસ્તી નેતાએ દીકરીઓનાં લગ્ન વહેલા કરાવવા જોઇએ એવું કેમ કહ્યું?