
ગુજરાતમાં CMOની જેમ મંત્રીઓની ચેમ્બરમાં પણ મોબાઈલ સાથે મુલાકાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં બહાર પિજિયન બોક્સમાં મોબાઈલ જમા કરાવ્યે જ પ્રવેશ મળશે. તથા રજૂઆત માટે નાગરિકો સોમવારે અને MP-MLA મંગળવારે મંત્રીઓને મળી શકશે. જેમાં હવેથી તમામ 16 મંત્રીઓની ચેમ્બરમાં પણ મોબાઈલ સાથે પ્રવેશ મળશે નહી.
મુલાકાતીઓના મોબાઈલ બહાર પિજીયન બોક્સમાં જમા લેવાશે
મુખ્યમંત્રીને ચેમ્બરમાં મળવા જતા હાલમાં મંત્રી, સેક્રેટરી સહિત સૌ કોઈ મૂલાકાતીઓને મોબાઈલ બહાર મુકવા પડે છે એમ હવેથી તમામ 16એ 16 મંત્રીઓની ચેમ્બરમાં પણ મોબાઈલ સાથે પ્રવેશ મળશે નહી. મુલાકાતના શિષ્ટાચાર અને સલામતી કારણોસર નવી સરકારમાં આ નિર્ણય થયાનું કહેવાય છે. ઉલ્લેખનિય છે કે, સ્વર્ણિમ સંકૂલ- 1 અને બેમાં પહેલાથી જ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળવા આવનારા મુલાકાતીઓના મોબાઈલ બહાર પિજીયન બોક્સમાં જમા લેવાય છે.
આ પણ વાંચો: અમદાવાદની આ મોટી કંપનીમાં જાપાની નાગરિક કોરોના પોઝિટિવ આવતા કર્મચારીઓમાં હાહાકાર
સવારે 10-30 કલાકથી મંત્રીઓ તેમની ચેમ્બરમાં ઉપસ્થિત રહેશે
નવી સરકારમાં વિભાગની ફાળવણી બાદ પહેલીવાર મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીઓને સ્વર્ણિમ સંકૂલમાં મંત્રીઓના કાર્યાલયમાં સમાન સિસ્ટમ અમલમાં રહે તેના માટે કેટલીક સુચનાઓ આપી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કે, સામાન્ય નાગરીકો પોતાના પ્રશ્નો અને રજૂઆતો મંત્રીઓ સમક્ષ કરી શકે તેના માટે દર સપ્તાહના આરંભે સોમવારનો દિવસ નિયત કરાયો છે. આ દિવસે સવારે 10-30 કલાકથી મંત્રીઓ તેમની ચેમ્બરમાં ઉપસ્થિત રહેશે. જ્યારે મંગળવારે સવારે 10-30 કલાકથી 12-30 કલાક સુધી સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓની મુલાકાત માટે સમય નિયત કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 10 હજારના આંકને વટાવી ગઈ
શનિવાર અને રવિવારે તેઓ મતક્ષેત્ર સહિત અન્ય પ્રવાસકાર્ય કરશે
મંગળવાર બપોરે 2-30 કલાકથી સાંસદો, ધારાસભ્યો પોતાના મતક્ષેત્રના નાગરીકો સાથે રજૂઆત કરી શકશે. બુધવારે કેબિનેટની બેઠક યોજાતી હોવાથી નાગરીકો અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ માટે પહેલાથી જ સપ્તાહના આરંભે બે દિવસો નક્કી થયેલા છે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મંત્રીને સોમવારથી શુક્રવાર સુધી પોતાની ચેમ્બરમાં બેસીને જ સરકારી વહિવટીય કામ સંભાળવા તાકીદ કરી હોવાથી શનિવાર અને રવિવારે તેઓ મતક્ષેત્ર સહિત અન્ય પ્રવાસકાર્ય કરશે.