ગુજરાત : ચેમ્પિયન્સ ટ્રોફી સટ્ટા ટુરિઝમ બનતા રાજ્યના બુકીઓને જલસા


- ગુજરાતના અનેક ટોચના બુકીઓ દુબઈ પહોંચી ગયાં
- સોમવાર સુધી રહેવા, જમવા, કેસિનો ઉપરાંત કારની વ્યવસ્થા
- મેન બુકિઓની હાથ નીચે કાર્યરત નાના 150 બુકીઓ ગોવામાં
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ગુજરાતમાંથી મહત્તમ ધંધો મેળવવા માટે ટોચના ત્રણ બુકીઓએ ગુજરાતના ટોપના બે ડઝન બુકીઓને દુબઈ સટ્ટા ટુરિઝમ કરાવ્યું છે. હોટલમાં રહેવા, ખાવા, પીવા અને અન્ય જાહોજલાલી ઉપરાંત લાઈવ મેચ જોવા સાથે સટ્ટા બુકિંગનું સંચાલન કરવા સવા બે લાખ અને ત્રણ લાખ રૂપિયાની બોક્સ ટિકિટ્સ આપવામાં આવી છે.
સટ્ટામાં ધંધો ખેંચી લાવવાની આંતરિક હરિફાઈ
ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ક્રિકેટરસિયાઓનો આજે (નવમી માર્ચ) રોમાંચક બનાવશે. તો, ચેમ્પિયન્સ ટ્રોફી સટ્ટા ટુરિઝમ બનતાં ગુજરાતના બુકીઓને જલસા પડી ગયા છે. ગુજરાતના બે ડઝન મુખ્ય બુકીઓ દુબઈ પહોંચી ચૂક્યાં છે તો તેમના હાથ નીચે કાર્યરત 150 બુકીઓ ગોવામાં છે. સટ્ટામાં ધંધો ખેંચી લાવવાની આંતરિક હરિફાઈ એવી વધી છે કે, બુકીઓને ગોવામાં સટ્ટા ટુરિઝમ સાથે સેમિફાઈનલથી ફાઈનલ મેચ વચ્ચે ત્રણ દિવસ ફ્રી કેસિનો સહિતની સુવિધાઓ, એરફેર સહિતના લાભો આપવામાં આવ્યાં છે. બશર્તે, બુકીઓ કરોડો રૂપિયાના બુકિંગ કરશે.
સોમવાર સુધી રહેવા, જમવા, કેસિનો ઉપરાંત કારની વ્યવસ્થા
સટ્ટા બજારના સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત-પાકિસ્તાન મેચ પહેલાંથી જ ગુજરાતના અનેક ટોચના બુકીઓ દુબઈ પહોંચી ગયાં છે. આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ પૂરી થયાં પછી ટૂર્નામેન્ટના હિસાબ-કિતાબ અને નાણાંકીય લેવડ-દેવડ કરીને મોટા બુકીઓ આવનારાં 15 દિવસમાં તબક્કાવાર પરત ફરશે. દુબઈ બેઠેલાં બુકીઓએ કરેલા આયોજન મુજબ, સેમિફાઈનલથી ગુજરાતના 150 જેટલા બુકીઓને સટ્ટા માટે ગોવા શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે. આ બુકીઓને એરટિકિટ સાથે જ સોમવાર સુધી રહેવા, જમવા, કેસિનો ઉપરાંત કારની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે જાણો ક્યારે અસહ્ય ગરમીનું ‘યલો એલર્ટ ‘ જાહેર કર્યું