ગુજરાત: ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ માણાવદર માર્કેટ યાર્ડના ચેરમેને પદ છોડ્યું

- ચેરમેન જગદીશ મારૂએ રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો
- હાલ બેંક પણ યાર્ડ પાસેથી લોનની 4 કરોડ કરતા વધુની રકમ માંગી રહી છે
- ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો
માણાવદર માર્કેટિંગ યાર્ડમાં જવાહર ચાવડાના શાસનકાળ દરમિયાન ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો હતો. સહકાર મંત્રીને આ મામલે તપાસ માંગ્યાના ગણતરીના દિવસોમાં યાર્ડના હાલના ચેરમેન જગદીશ મારૂએ રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો કયા છે રેડ એલર્ટ
હાલ બેંક પણ યાર્ડ પાસેથી લોનની 4 કરોડ કરતા વધુની રકમ માંગી રહી છે
ત્રણ દિવસ પહેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એવો આક્ષેપ કર્યો હતો કે, માણાવદર યાર્ડમાં જવાહર ચાવડાએ એકહથ્થુ શાસન કરીને તેઓએ યાર્ડને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યું છે. હાલ યાર્ડ ઉપર બેંકનું 4 કરોડ કરતા વધુની રકમનું લેણું છે. જેથી યાર્ડ સ્મશાનઘાટ બની ગયું છે. યાર્ડની સ્થાપનાથી જવાહર ચાવડા એકધારા ચેરમેનપદે રહ્યા છે.પરંતુ છેલ્લા અઢી વર્ષથી સરકારના નિયમોમાં ફેરફારને લીધે હાલ યાર્ડના ચેરમેન તરીકે જગદીશ મારુ છે. પરંતુ જવાહર ચાવડાના શાસનકાળમાં તેઓએ બેંકની દોઢ કરોડ ઉપરની લોન લઈને યાર્ડ ઉભું કર્યું હતું. તેના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયેલ છે, આજે તેનું બાંધકામ સાવ નબળું દેખાઈ રહ્યું છે. જેના પરિણામે આજે માણાવદર માર્કેટિંગ યાર્ડ જાણે સ્મશાન ઘાટ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ બેંક પણ યાર્ડ પાસેથી લોનની 4 કરોડ કરતા વધુની રકમ માંગી રહી છે.
ચેરમેને રાજીનામાના પત્રમાં શું લખ્યું છે
હું જગદીશભાઈ કાનાભાઈ મારું, છેલ્લા અઢી વર્ષ કરતા પણ વધારે સમયથી માણાવદર યાર્ડમાં ચેરમેન તરીકે બિનહરીફ્ ચૂંટાયેલ છું. વર્તમાન ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર યાર્ડમાં અગાઉ યાર્ડની સ્થાપનાથી થયેલ ભ્રષ્ટાચાર માટે જે તપાસ માંગેલ છે, તેને કારણે તેમજ વર્તમાનમાં યાર્ડના કર્મચારીઓના પગાર અંદાજે એકાદ વર્ષથી બાકી છે. યાર્ડમાં ખેડૂતોની સવલત અને જરૂરિયાતો યાર્ડ દ્વારા પૂરી થઇ શકતી નથી. યાર્ડને લગતા અનેક પ્રશ્નોનો વિચાર કરી તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદર યાર્ડના પૂર્વ ચેરમેન જવાહર ચાવડાની નીતિ રીતિ મને અનુકૂળ ન આવતી હોય, માણાવદર માર્કેટીંગના ચાલુ ચેરમેન પદેથી હું મારી સ્વૈચ્છાએથી રાજીનામું આપું છું.