ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હર્ષ સંઘવીને ડેપ્યુટી CM તરીકે પ્રમોશન મળવાની અટકળો, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બની શકે છે ‘નંબર 2’

ગાંધીનગર, તા. 17 ઓક્ટોબર, 2025: ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. મંત્રી તરીકે શપશ લેનારાને ફોન આવવાના શરૂ થઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રમોશન મળી શકે છે, જેના કારણે તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ‘નંબર ૨’ નું સ્થાન મળી શકે છે. રાજકીય વર્તુળોમાં આ અંગેની અટકળો તેજ બની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટી રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સારું પ્રદર્શન કરનાર યુવા નેતાઓને પ્રોત્સાહન આપવાની નીતિ પર કામ કરી રહી છે. સુરતની મજૂરા બેઠકના ધારાસભ્ય અને હાલમાં ગૃહ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના મહત્ત્વના વિભાગો સંભાળતા હર્ષ સંઘવીને કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપીને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

હર્ષ સંઘવી ગુજરાત ભાજપના સૌથી લોકપ્રિય યુવા નેતાઓમાંના એક ગણાય છે. ૨૦૧૨ માં, તેઓ ૨૭ વર્ષની ઉંમરે ગુજરાત વિધાનસભામાં સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. યુવા નેતૃત્વ, કાર્યક્ષમતા અને સંગઠન તેમજ સરકારમાં તેમના પ્રદર્શનને આ પ્રમોશનનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

જો આ અટકળો સાચી ઠરે તો, હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીનું સ્થાન આપીને ભાજપ રાજ્યના રાજકીય અને પ્રાદેશિક સંતુલનને પણ જાળવવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ લેશે અને સત્તાવાર જાહેરાત મંત્રીમંડળના વિસ્તરણ સમયે થવાની સંભાવના છે.

Back to top button