અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના મંત્રીમંડળે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા

Text To Speech

અમદાવાદ, 2 માર્ચ 2024, દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પહેલાં ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન માટે પહોંચ્યું છે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ અલગ-અલગ દિવસે દેશનાં જુદાં-જુદાં રાજ્યોનાં મંત્રીમંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યાં છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનું મંત્રીમંડળ સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયું હતું.

લખનૌના બનાસડેરીના પ્લાન્ટની મુલાકાત લેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ રૂપે અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીમંડળ લખનૌ ખાતેના બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાતે જશે.

 

તમામનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા પહોંચ્યા છે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા ગયા છે. અયોધ્યા એરપોર્ટ પર નાની બાળાઓ દ્વારા તમામનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામમંદિરમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને કેસરી ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

રામલલ્લાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, આદિજાતિ વિકાસમંત્રી ડો. કુબેર ડિંડોર, મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા અયોધ્યા પહોંચ્યાં છે અને રામલલ્લાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા છે. રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં રામલલ્લાના દરબારમાં હાજરી આપી હતી. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હતા.

 

આ પણ વાંચોઃસ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા: અદ્દભૂત ઇજનેરી કૌશલ્ય!

Back to top button