ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સુરતમાં લીવર આપી બહેને સાચા અર્થમાં ભાઈની કરી ‘રક્ષા’

  • ચેતનાબેને તેમનું લીવર આપી અલ્કેશભાઈને નવજીવન આપ્યું
  • ભાઈને લીવર આપવા માટે ત્રણેય બહેનો વચ્ચે રીતસર રકઝક
  • ભાઈની સલામતી માટે બહેને પોતાના જીવની પણ પરવાહ ના કરી

ગુજરાતના સુરતમાં લીવર આપી બહેને સાચા અર્થમાં ભાઈની રક્ષા કરી છે જેમાં ભાઈને લીવર આપવા માટે ત્રણેય બહેનો વચ્ચે રીતસર રકઝક થઈ કે લીવર તો હું જ આપીશ. રક્ષાબંધન એટલે ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર બંધનનું પર્વ. પ્રાચીન કાળમાં ભાઈના હાથે રક્ષાસૂત્ર બાંધી બહેનો તેની સલામતી માટે પ્રાર્થના કરતી હતી, જે પરંપરા આજે પણ કાયમ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે આ વિસ્તારો માટે હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી 

ભાઈની સલામતી માટે બહેને પોતાના જીવની પણ પરવાહ નહીં કરી

આજના જમાનામાં લોહીના સંબંધોને ભલે સ્વાર્થી લાગી રહ્યાં હોય, પરંતુ ભાઈની સલામતી માટે બહેને પોતાના જીવની પણ પરવાહ નહીં કરી હોય તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. રિલ લાઈફને ટક્કર મારે તેવો જ એક કિસ્સો સરથાણા જકાતનાકા સ્થિત શિવાંત સોસાયટીમાં રહેતા કાપડ વેપારી અલ્કેશભાઈ છગનભાઈ સુતરીયાના જીવનમાં બનવા પામ્યો છે.

અલ્કેશભાઈને એક દિવસ અચાનક ડાયરીયા શરૂ થયા

આ વાત છે, સાડા ત્રણ વર્ષ પહેલાની. અલ્કેશભાઈને એક દિવસ અચાનક ડાયરીયા શરૂ થયા હતા. ત્યારબાદ પેશાબ બંધ થઈ જતા કંઈક અજુગતું બન્યું હોવાની શંકા સાથે તબીબી તપાસ કરાવી હતી. તબીબે કરાવેલા રિપોર્ટમાં તેમને લીવરની તકલીફ હોવાનું ડિટેક્ટ થયું હતું. જે તકલીફ એક વર્ષમાં એ હદે વધી ગઈ હતી કે, અલ્કેશભાઈને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. બે પુત્રીના પિતા એવા અલ્કેશભાઈને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોબત આવતા પરિવારના માથે આભ તૂટી પડયું હતું. બીજી બાજુ ઉનાળાના વેકેશનમાં પિયરમાં આવેલી અલ્કેશભાઈની ત્રણ મોટી બહેનોના કાને આ વાત પડતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, થોડા સમય બાદ સ્વસ્થતા કેળવી હર્ષાબેન, પૂજાબેન અને ચેતનાબેને ભાઈ અલ્કેશનને પોતાનું લીવર આપવા માટે જીદ પકડી હતી. આ મુદ્દે ત્રણેય બહેનો વચ્ચે લાંબા સમય સુધી રીતસર રકઝક થઈ હતી. આખરે માસ્ટર ઇન યોગનો અભ્યાસ કરનારા ચેતનાબેને બંને મોટી બહેનોને સમજાવી તેણીને લીવર આપવા દેવા માટે રાજી કર્યા હતા.

ચેતનાબેને તેમનું લીવર આપી અલ્કેશભાઈને નવજીવન આપ્યું

અલ્કેશભાઈના પત્ની અંકીતાબેન કહે છે, ગત એપ્રિલ મહિનામાં મુંબઈ ખાતે લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે અલ્કેશભાઈ સંપૂર્ણ સ્વસ્થ છે અને નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. અલ્કેશભાઈને બહારથી લીવર મળવું મુશ્કેલ હતું. ત્યારે જૂનાગઢના નિવાસી મારા નણંદ ચેતનાબેને તેમનું લીવર આપી પતિ અલ્કેશભાઈને નવજીવન આપ્યું છે.

Back to top button