ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત : લંડન મોકલવાના બહાને વેપારી સાથે 20.26 લાખની છેતરપિંડી કરાઇ

  • બે વર્ષ સુધી તબક્કાવાર રૂપિયા પડાવીને કામ કર્યું નહિ
  • દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી
  • ઈમરજન્સીનું બહાનું કાઢી લંડન જતો રહ્યો હતો અને સંપર્ક તોડી નાખ્યો

દહેગામના કાર લે વેચનો વ્યવસાય કરતા વેપારીને પરિવાર સાથે લંડન મોકલી આપવાના બહાને સરગાસણમાં રહેતા ગઠીયા દ્વારા બે વર્ષ સુધી તબક્કાવાર ૨૦.૨૬ લાખ રૂપિયા લઈને કામ નહીં કરી છેતરપિંડી આચરવામાં આવી છે. જે સંદર્ભે દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બે વર્ષ સુધી તબક્કાવાર રૂપિયા પડાવીને કામ કર્યું નહિ

બે વર્ષ સુધી તબક્કાવાર રૂપિયા પડાવીને કામ નહીં કરતા આખરે દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. દહેગામમાં આવેલી શ્રીનાથ બંગલોઝમાં રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા પંકજકુમાર હરિભાઈ પટેલ ગઠીયાનો ભોગ બન્યા છે તેમણે દહેગામ પોલીસમાં ફરિયાદ આપી હતી કે મિત્ર મારફતે તેમની ઓળખાણ ગાંધીનગરના સરગાસણ એપલ આવાસ સોસાયટીમાં રહેતા હસમુખ હિરજીભાઈ પટેલ સાથે થઈ હતી. ત્યારબાદ તેણે પંકજકુમારને તેમના પરિવાર સાથે લંડન મોકલવાનું આશ્વાસન આપ્યું હતું. હસમુખે લંડન જવાનો કુલ ખર્ચ ૩૨ લાખ રૂપિયા જણાવ્યો હતો.

હસમુખે પંકજકુમારની પત્નીના દસ્તાવેજો પર પ્રક્રિયા કરી હોવાનું જણાવી સ્ક્રીનશોટ મોકલ્યા

જાન્યુઆરી ૨૦૨૩માં લંડન મોકલવાની લાલચ આપી હસમુખે પંકજકુમાર પાસેથી તબક્કાવાર નાણાં પડાવ્યા હતા. સૌ પ્રથમ પંકજકુમારે ૬.૫૦ લાખ રૂપિયા પાઉન્ડમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સેક્ટર-૧૧ વાઈટહાઉસ ખાતે ૩.૫૦ લાખ રોકડા અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો આપ્યા હતા. બાદમાં હસમુખ વિઝાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનો વિશ્વાસ આપી લંડન જતો રહ્યો હતો. છ મહિના સુધી કોઈ જવાબ ન આપતા પંકજકુમારે પૈસા પરત માંગ્યા હતા. એટલે હસમુખે પંકજકુમારની પત્નીના દસ્તાવેજો પર પ્રક્રિયા કરી હોવાનું જણાવી સ્ક્રીનશોટ મોકલ્યા હતા.

ઈમરજન્સીનું બહાનું કાઢી લંડન જતો રહ્યો હતો અને સંપર્ક તોડી નાખ્યો

મેડિકલ અને પીસીસી માટે વધુ ૨૬,૮૮૮ રૂપિયા લીધા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૩માં હસમુખે વધુ ૨.૪૯ લાખ રૂપિયા પડાવ્યાં હતા અને ડિસેમ્બરમાં લંડનથી દહેગામ આવી તેણે પંકજકુમારની પત્નીનો બનાવટી કોલ લેટર બતાવી વધુ ૭.૫૦ લાખ રૂપિયા પડાવ્યાં હતા. ત્યારબાદ ઈમરજન્સીનું બહાનું કાઢી લંડન જતો રહ્યો હતો અને સંપર્ક તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ડ્રગ ટ્રાફિકિંગના કેસનો આંકડો જાણી દંગ રહેશો

Back to top button