ગુજરાત: બુટલેગરની દાદાગીરી, તારે SPને કહેવુ હોય તો કહીદેજે, દારૂ બંધ નહીં થાય
- ખુલ્લેઆમ ગામના આગેવાનોને ધમકી અને પોલીસને પડકાર
- આગેવાનો પણ ગામમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેપારથી ત્રસ્ત થઈ
- બુટલેગર વિરુદ્ધ દારૂ ઉપરાંત હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં દેશી દારૂએ માઝા મુકી છે. પોલીસ દ્વારા અનેક દરોડા કરવા છતાં દેશી દારૂની બદી દુર થતી નથી. જેમાં ખોડુ મહિલા સરપંચના પતિ અને રૂપાવટીના સરપંચના ભાઈને ધમકી આપવામાં આવી છે. તેમાં બુટલેગર વિરુદ્ધ દારૂ ઉપરાંત હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે.
ગામના સરપંચ સહિતના આગેવાનો પણ ગામમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેપારથી ત્રસ્ત થઈ
વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા બુટલેગરે ગામના સરપંચના ભાઈ અને ખોડુ મહિલા સરપંચના પતિને દેશી દારૂ બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની અલગ-અલગ ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાતા ચકચાર ફેલાઈ છે. ગામના સરપંચ સહિતના આગેવાનો પણ ગામમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેપારથી ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે આગેવાનો દ્વારા દારૂ અંગે કરાતી રજુઆતો તેમને ભારે પડી છે. અને બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
ખુલ્લેઆમ ગામના આગેવાનોને ધમકી અને પોલીસને પડકાર
બનાવની વધુમાં મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા સીધ્ધરાજસીંહ ચંદુભા ખેર અને રૂપાવટીના યુવરાજસીંહ સુખદેવસીંહ ઝાલાએ જોરાવરનગર પોલીસ મથકે અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે. જેમાં રૂપાવટી ગામના ભુપત દેવુભાઈ મારૂણીયાએ બન્નેને ફોન કરી દારૂ આજેય બંધ નહીં થાય ને કાલેય બંધ નહીં થાય, તારે એસપીને કહેવુ હોય તો કહી દેજે. દારૂ બંધ નહી થાય તેમ કહી બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની બન્નેએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર નિતીનદાન મોડ ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ આરોપી સામે દેશી દારૂના અનેક ગુના ઉપરાંત હત્યાનો, ખંડણી માંગવાનો ગુનો પણ પોલીસ ચોપડે નોંધાયેલો છે. ત્યારે ખુલ્લેઆમ ગામના આગેવાનોને ધમકી અને પોલીસને પડકાર ફેકનાર આરોપી સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે? તેના પર સૌની મીટ મંડાયેલી છે.