ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત: હેલિકોપ્ટર દુર્ઘટનાના એક મહિના બાદ ગુમ થયેલા પાયલટનો મળ્યો મૃતદેહ

  • ગયા મહિને 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર થયું હતું ક્રેશ

ગુજરાત, 11 ઓકટોબર: ગયા મહિને ભારતીય કોસ્ટ ગાર્ડનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ક્રેશ થયેલા હેલિકોપ્ટરના ગુમ થયેલા પાયલટનો મૃતદેહ એક મહિના કરતાં વધુ સમય બાદ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી મળી આવ્યો છે તેમ અધિકારીઓએ આજે શુક્રવારે જાણકારી આપી છે. 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ALH MK-III હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ક્રૂના ત્રણ સભ્યો ગુમ થઈ ગયા હતા.

 

પોરબંદરથી 55 કિલોમીટર દૂર દરિયામાંથી મળી લાશ 

જોકે, પાછળથી બે ક્રૂ મેમ્બરના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ આ મિશનના પાયલટ રાકેશ કુમાર રાણાની શોધ ચાલી રહી હતી. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, રાણાનો મૃતદેહ 10 ઓક્ટોબરે પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 55 કિલોમીટર દૂર દરિયામાં મળી આવ્યો હતો.

ભારતીય નૌકાદળે ઓપરેશન શરૂ કર્યું

કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, ‘કોસ્ટ ગાર્ડે ભારતીય નૌસેના અને અન્ય હિતધારકો સાથે મિશનના પાઇલટ-ઇન-કમાન્ડ રાકેશ કુમાર રાણાને શોધવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. સેવા પરંપરાઓ અને સન્માનો અનુસાર જ તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  ભારતીય કોસ્ટ ગાર્ડના ત્રણ બહાદુર જવાનોને સલામ, જેમણે પોતાની ફરજ બજાવતા પોતાના પ્રાણની આહુતિ આપી.’

વિમાનમાં 4 ક્રૂ મેમ્બર સવાર હતા

મળતી માહિતી મુજબ, ભારતીય કોસ્ટ ગાર્ડનું એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર 2 સપ્ટેમ્બરની રાત્રે મોટર ટેન્કર ‘હરિ લીલા’ પર સવાર ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે અરબી સમુદ્રમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બોર્ડમાં ચાર ક્રૂ મેમ્બર હતા.

એકને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યો હતો

હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી ગૌતમ કુમારને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ ગુમ થઈ ગયા હતા. એક દિવસ પછી, પાઇલટ વિપિન બાબુ અને કરણ સિંહના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ રાણા મળી શક્યા ન હતા. આ પછી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અંતે ગુમ થયેલા પાયલટનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો હતો.

આ પણ જૂઓ: શું હતું ઑપરેશન પવન, કેમ મજબૂર થઈ ભારત સરકાર; કેવી રીતે બન્યું રાજીવ ગાંધીની હત્યાનું કારણ

Back to top button