GSEB Class 10 Syllabus Change: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE) ના અસરકારક અમલ માટે શાળાકીય શિક્ષણમાં એક ઐતિહાસિક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની સત્તાવાર મંજૂરી બાદ બોર્ડે ધોરણ 9 અને 10 ના અભ્યાસક્રમ અને વિષય માળખામાં વ્યાપક સુધારા કર્યા છે. આ નવી શૈક્ષણિક વ્યવસ્થાનો અમલ શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ 10 માં અને શૈક્ષણિક વર્ષ 2027-28 થી ધોરણ 9 માં ચુસ્તપણે શરૂ કરી દેવામાં આવશે.
વિષયોનું ભારણ ઘટ્યું
નવા નિયમો અનુસાર, અત્યાર સુધી રાજ્યમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અમલી કુલ 10 વિષયોના અભ્યાસક્રમના ભારણને ઘટાડી દેવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓએ માત્ર 8 મુખ્ય વિષયોનો જ ફરજિયાત અભ્યાસ કરવાનો રહેશે. આ પ્રક્રિયામાં બોર્ડ દ્વારા અગાઉનો વ્યાવસાયિક શિક્ષણનો વિષય સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. તેના સ્થાને વિદ્યાર્થીઓમાં સામાજિક મૂલ્યોનું સિંચન કરવા માટે ‘વ્યક્તિ અને સમાજજીવન’ નામનો એક તદ્દન નવો જ વિષય વિષયમાળખામાં સામેલ કરાયો છે.
ત્રિ-ભાષા સૂત્ર માટેની નવી ફોર્મ્યુલા જાહેર
નવા માળખામાં ભાષાઓની પસંદગી માટે ત્રિ-ભાષા સૂત્રને વધુ વ્યવસ્થિત બનાવવામાં આવ્યું છે:
પ્રથમ ભાષા: શાળા જે માધ્યમમાં કાર્યરત હોય (જેમ કે ગુજરાતી અથવા અંગ્રેજી), તે માધ્યમની ભાષા પ્રથમ ભાષા તરીકે રાખવી ફરજિયાત રહેશે.
બીજી ભાષા: આ સ્તરે વિદ્યાર્થીઓ પાસે ગુજરાતી અથવા અંગ્રેજીનો વિકલ્પ રહેશે, પરંતુ પ્રથમ ભાષા તરીકે પસંદ કરેલી ભાષા અહીં ફરી પસંદ કરી શકાશે નહીં.
ત્રીજી ભાષા: વિદ્યાર્થીઓ વૈકલ્પિક ભાષા તરીકે હિન્દી, સંસ્કૃત, અરબી, સિંધી અથવા ઉર્દૂમાંથી કોઈ પણ 1 ભાષા પસંદ કરી શકશે.
શાળાઓના પ્રકાર (સ્ટ્રીમ) મુજબ વૈકલ્પિક વિષયોની ફાળવણી
નવા નિયમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ‘વ્યક્તિ અને સમાજજીવન’ મુખ્ય વિષયો રહેશે. આ ઉપરાંત, શાળાઓના પ્રકારના આધારે વિવિધ વૈકલ્પિક વિષયોના વિકલ્પો આપવામાં આવ્યા છે:
સામાન્ય શાળાઓ: કલા શિક્ષણ, યોગ-સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, કમ્પ્યુટર અભ્યાસ, કૃષિવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, પશુપાલન અને ડેરી વિજ્ઞાન.
ઉચ્ચ બુનિયાદી શાળાઓ: ચિત્રકલા, સંગીત, યોગ-સ્વાસ્થ્ય, પશુપાલન અને ડેરી વિજ્ઞાન.
ટેક્નિકલ શાળાઓ: એલિમેન્ટ્સ ઓફ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એઇડેડ એન્જિનિયરિંગ ડ્રોઇંગ, બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ પ્રોસેસ અને સેફ્ટી.
વાણિજ્ય (કોમર્સ) શાળાઓ: વાણિજ્ય પરિચય, નાણાંકીય મૂળભૂતતા (ફાઇનાન્સિયલ બેઝિક્સ) અને સેક્રેટેરિયલ પ્રેક્ટિસ.
બોર્ડના સત્તાવાર પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમમાં જેટલા પણ વિષયો પસંદ કરશે, તે તમામ વિષયોમાં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય રહેશે. આ અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEOs) ને માર્ગદર્શિકા મોકલી દેવાઈ છે.











