અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડની ઘટનાને પગલે 4 જૂને ગુજરાત ભાજપ જીતની ઉજવણી નહીં કરે

Text To Speech

રાજકોટઃ 31 મે 2024, શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના 12 દિવસ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. તે ઉપરાંત અગાઉ રાજકોટ શહેર ભાજપ દ્વારા જીતની ઉજવણી નહીં કરવા મામલે જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ભાજપ જીતની ઉજવણી નહીં કરે તેવી જાહેરાત કરવામાં આવી છે.

વિજયને સંયમતાથી અત્યંત સાદગીથી વધાવવાનો નિર્ણય
ગુજરાત ભાજપ દ્વારા એક પરિપત્ર જિલ્લા અને તાલુકા મથકના નેતાઓને મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ દ્વારા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાના પગલે વિજયને સંયમતાથી અત્યંત સાદગીથી વધાવવાનો નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત કાર્યકરોને સાત મુદ્દાઓ ધ્યાને રાખી સંયમતાથી ઉજવણી કરવાનું કહેવાયું છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ દ્વારા આજે એક વર્ચ્યુઅલ બેઠક યોજીને મતગણતરીના દિવસે કાર્યકર્તાઓએ સાદગી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

આ 7 મુદ્દાને ધ્યાનમાં રાખવાનું સૂચન કાર્યકર્તાઓને કરાયું

  1. મતગણતરીના સ્થળની બહાર, કાર્યાલય પર તેમજ અન્ય જાહેર સ્થળ પર ફટાકડા ફોડવા નહીં
  2. મીઠાઈની વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં
  3. ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાડીને અભિવાદન કરવું નહીં
  4. કાર્યકર્તાઓ ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર સાથે વિજયને આવકારે
  5. મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં
  6. ઢોલ-નગારા કે ડીજે-સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવી નહીં અને કાર્યાલયમાં રોશની કે સુશોભન કરવું નહીં
  7. વિજય પછી સન્માન સમારંભના કાર્યકર્મો ટાળવા

આ પણ વાંચોઃગુજરાતના આ 26 કેન્દ્રો પર 4 જૂને સવારના 8 વાગ્યાથી શરૂ થશે મત ગણતરી

Back to top button