ગુજરાત : આંકલાવ નગર પાલિકામાં પ્રથમ વખત અપક્ષના સમર્થનથી ભાજપે સત્તા મેળવી

- ત્રણ પાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી
- ભાજપે ત્રણે નગરપાલિકામાં મેદાન મારી જીત મેળવી લીધી
- આંકલાવમાં ભાજપ પહેલી વખત સત્તા લેવામાં સફળ થયું
આણંદની ત્રણ પાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઓડ અને બોરિયાવીમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ સભ્યોની બિનહરીફ વરણી કરી દેવાઈ હતી. પરંતુ આંકલાવમાં કોંગ્રેસ સમર્થિત અપક્ષમાંથી બંને પદો માટે દાવેદારી નોંધાવાતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને ૧૬ અને અપક્ષને ૮ મત મળતા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા જાહેર કરાયા હતા. આંકલાવ પાલિકામાં ઈતિહાસમાં પ્રથમ વખત ૬ અપક્ષના સમર્થનથી ભાજપે સત્તા હાંસલ કરી છે અને પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરી છે.
ભાજપે ૧૦ જ્યારે અપક્ષે ૧૪ બેઠકો પર જીત મેળવી હતી
આંકલાવ પાલિકાની ચૂંટણીઓમાં ભારે રસાકસી બાદ પરિણામમાં ભાજપે ૧૦ જ્યારે અપક્ષે ૧૪ બેઠકો પર જીત મેળવી હતી. બાદમાં રાજકીય દાવાઓને આધારે આખરે ભાજપે વધુ ૬ સભ્યોનું સમર્થન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આણંદ જિલ્લાના સ્થાનિક ભાજપના નેતાઓ આંકલાવ આવ્યા હતા. આંકલાવ ભાજપના જીતેલા સભ્યો તથા સંગઠનના નેતાઓની મિટિંગ યોજી હતી. જેમા પ્રદેશમાંથી આવેલા નામ જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપે ત્રણે નગરપાલિકામાં મેદાન મારી જીત મેળવી લીધી
ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ઉન્નતિબેન પટેલ તથા ઉપપ્રમુખ માટે અમિતભાઈ પઢિયારના ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમર્થન અપક્ષમાંથી પ્રમુખ પદ માટે અંજૂબેન ઠાકોર અને ઉપપ્રમુખ માટે મહેન્દ્રસિંહ પઢિયારે ઉમેદવારીપત્રો ભર્યા હતા. બાદમાં ચૂંટણીના મતદાનમાં ભાજપને ૧૬ અને અપક્ષને ૮ મત મળ્યા હતા. જેથી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે ભાજપમાંથી વિશાલ પટેલની કારોબારી ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરાઈ હતી.
આંકલાવમાં ભાજપ પહેલી વખત સત્તા લેવામાં સફળ થયું
આંકલાવમાં ભાજપ પહેલી વખત સત્તા લેવામાં સફળ થયું હતું. ભાજપ પક્ષ દ્વારા ઓડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે સંજયભાઈ જે. પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે કેતનકુમાર આર. રાવલજીની બિનહરીફ વરણી થવા પામી હતી. જ્યારે બોરીયાવીની નગરપાલિકામાં બીજેપીની સ્પષ્ટ બહુમતીને કારણે પ્રમુખ તરીકે રમીલાબેન રમેશભાઈ ભોઈ તેમજ ઉપપ્રમુખ તરીકે તેજસિંહ અજયસિંહ ચૌહાણની બિનહરીફ વરણી કરી ભાજપે ત્રણે નગરપાલિકામાં મેદાન મારી જીત મેળવી લીધી હતી.
આ પણ વાંચો: ગુજરાત : આ વર્ષે ચૌદશે હોલિકા દહન, 14 મીએ રંગ પર્વ ધૂળેટી ઉજવાશે