ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણઃ પૂર્વ કેબિનટ મંત્રીએ કમળનું ચિહ્ન હટાવી શું કહ્યું?
જૂનાગઢ, 22 જૂન 2024, ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. હજી વિસાવદર બેઠકની પેટા ચૂંટણી યોજાઈ શકી નથી. ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપમાં નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડા નવા જુની કરે તેવી સંભાવના છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સીમ્બોલ અને ભાજપની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓ નિષ્ક્રિય રહ્યા હતા. જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને લઇ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે.
માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માન્ડવીયા માટે મારો સંદેશ @mansukhmandviya pic.twitter.com/bIKHj4B1p9
— Jawahar Chavda (@jawaharpchavda) June 22, 2024
વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું જવાહર ચાવડાએ?
સોશિયલ મીડિયામાં એક ટૂંકો વીડિયો પોસ્ટ કરીને જવાહર ચાવડાએ ભાજપનું ચિહ્ન હટાવીને જણાવ્યું હતું કે, મનસુખભાઈ માંડવીયા નમસ્કાર.. દસ વર્ષ દરમિયાન માણાવદર વંથલીના ખેડૂતોના બિયારણ, પાક વીમો, ધોવાણના પ્રશ્ન હતા અને સૌથી મોટો પ્રશ્ન આ વિસ્તારનો ડાર્ક જોન હતો. આ ડાર્ક ઝોન મુવમેન્ટ મેં ત્રણ વર્ષ સુધી ચલાવી અને ડાર્ક ઝોન હટાવ્યું હતું. જૂનાગઢ માટે 600 કરોડ પાછા લાવવાનું અભિયાન અને જૂનાગઢ જિલ્લામાં લોકશાહીનું અભિયાન ચલાવ્યું હતું.આ સિવાય પણ જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ સહાયતા અભિયાન શરૂ કર્યું હતું. તે અભિયાન સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને જામનગરમાં શરૂ કર્યું હતું. જેમાં 75,000 થી વધુ ગરીબોને બીપીએલના લાભો અપાવ્યા હતા અને આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેના પર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી દીધી હતી. આટલી હિંમત, તાકાત કે ત્રેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ કટાક્ષ કર્યો હતો
જૂનાગઢના માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા વંથલીમાં ભાજપના કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ હાજરી આપી હતી. માંડવીયાએ તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. ચૂંટણી સમયે ભાજપના જે નેતાઓ રિસાયા હતા તેઓને પણ નામ લીધા વિના મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. માંડવીયાએ કહ્યું હતું કે, જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાવતા હોય તેઓએ ભાજપનું કામ કરવું જોઈએ. છતા કેટલાક રિસાયા તો મેં આગેવાનો કહ્યું કે શું કરીશું? તો આગેવાનોએ કહ્યું કે લડી લેશુ. મનસુખ માંડવીયાએ ભાજપના કાર્યકર્તાઓને શીખ આપતા કહ્યું હતું કે, અરવિંદભાઈ ધારાસભ્ય છે અને હું સંસદ સભ્ય છું. જરુર નથી કે બધાની અપેક્ષા પૂરી થઈ જશે. કાર્યકર્તા તરીકે આપણા જનપ્રતિનિધિ પ્રત્યે ક્યારેય અયોગ્ય વાત નીકળવી જોઈએ નહીં. વીરો મારો જગમગ જગમગ થાય એ જ પાંચ વર્ષ સુધી કહેવાનું છે.
લાડાણીએ જવાહર ચાવડા સામે આક્ષેપ કર્યો હતો
ગુજરાતમાં માણાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યો હતો. લાડાણીએ કહ્યું હતું કે, જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જિનિંગ ફેકટરીમાં કાર્યકર્તાઓની મિટિંગ બોલાવી તેમાં જાણ કરેલી કે, મારા પપ્પાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે.આ મિટિંગમાં 800થી વધુ કાર્યકર્તા હાજર હતા.ચૂંટણીના દિવસે પક્ષવિરોધી પ્રવૃતિ કરી મને હરાવવાના પ્રયાસો કર્યા હતા. આ બાબતે મેં પ્રમુખ પાટીલ સાહેબને લેખિત જાણ કરી હતી.
આ પણ વાંચોઃપાટણના MLAનો CMને પત્રઃ શિક્ષિત મહિલાઓને પકડનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરો