લોકસભા 2024ની ચૂંટણી માટે અત્યારથી જ તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરી ગુજરાતની તમામ 26 બેઠકો અંકે કરવા માટે કમરકસ્સી લીધી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. આજે રવિવારે લોકસભાની ચૂંટણીને લઈને પાટીલે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો ઉપર ચૂંટણીમાં દરેક સીટ પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી છે.
પોતાની જ નવસારી બેઠકથી શરૂઆત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે સીઆર પાટિલે દરેક 26 બેઠકો ઉપર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી છે ત્યારે પાટીલે પ્રથમ જ પોતાની બેઠક ઉપર પ્રભારી જાહેર કર્યા છે. નવસારી લોકસભા બેઠક પર અશોક ધોરાજિયાને લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ બુથ લેવલો ઉપર 50 ટકાથી ઓછા થયેલા મતદાનનું પોસ્ટમોટર્મ કરવામાં આવી રહ્યું છે.