દિલ્હીમાં ગુજરાત ભાજપનું મનોમંથન : CM અને CR સાથે સંગઠન મહામંત્રી રત્નાકારને હાઈકમાન્ડનું તેડું
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અંગેની જાહેરાત થાય તે પહેલાં ભાજપની અંદર હલચલ જોવા મળી રહી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને દિલ્લીનું તેડુ આવ્યું છે. ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી માટે તેડું આવ્યું છે.
આજે દિલ્હીમાં ચૂંટણી કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે. જો કે તેમાં આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા નહિવત્ છે. દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને દિલ્લીનું તેડુ આવ્યું છે.
આ ઉપરાંત છેલ્લા ચરણની ચૂંટણીની તૈયારી માટે ભાજપ નેતાઓ દ્વારા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહથી લઈ વડાપ્રધાન મોદી પણ હાલમાં પ્રચાર માટે રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે. આ વચ્ચે ચૂંટણીના માર્ગદર્શનથી લઈ ઉમેદવારો માટેની રણનીતિ નક્કી કરવા માટે ભાજપે હોદ્દેદારોને તેડું આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ગોપાલ ઈટાલિયાના નિવેદન પર સ્મૃતિ ઈરાની થયા આક્રમક,કોઈને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી
આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. જો કે ચૂંટણી કમિશનની આજની હિમાચલ પ્રદેશની તારીખોની જાહેરાતના પગલે ગુજરાતની મતગણતરીની તારીખનો અંદાજ આવી શકે છે. રાજ્યનો ચૂંટણીને લઇને તૈયારીઓનો ચાર્ટ, લો એન્ડ ઓર્ડર સહિતના પાસાની ચકાસણી થઇ જતી હોય છે. જે પછી તેમના દિલ્હી પરત ફર્યાના 10-15 દિવસમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે.