ગુજરાત: ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો

- 6 સાધ્વીજી પર એક શખસે પીછો કરી હુમલો કરતા ખળભળાટ મચી ગયો
- પટ્ટો કાઢી સાધ્વીઓને માર મારવાનું શરૂ કરતાં સાધ્વીજી હેબતાઈ ગયા
- માર મારનારા શખસને પકડી પાડી પોલીસના હવાલે કરી દેવાયો
ગુજરાતના ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો થયો છે. જેમાં ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી દેરોલ તરફ વિહાર માટે નીકળ્યા હતા. તેમાં પટ્ટાથી માર મારનારા શખસને પકડી પાડી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. જૈન સાધ્વીઓ પોતાના નિયમને આધીન હોવાથી તેઓ જે તે પુરૂષની નજીક પણ જઈ શકતા ન હતા.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં ગરમીને લીધે 7 દિવસમાં 122 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા
6 સાધ્વીજી પર એક શખસે પીછો કરી હુમલો કરતા ખળભળાટ મચી ગયો
ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરમાંથી નીકળી દેરોલ તરફ વિહાર માટે જઈ રહેલા શ્વેતાંબર જૈન સમાજના 6 સાધ્વીજી પર એક શખસે પીછો કરી હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે.ભરૂચથી વિહાર માટે નીકળેલા સાધ્વીઓનો સતત પીછો કર્યા બાદ દેરોલ પાટીયે ઉશ્કેરાયેલા શખસે પટ્ટો કાઢી સાધ્વીઓને માર મારવાનું શરૂ કરતાં સાધ્વીજી હેબતાઈ ગયા હતા. ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા એક રાહદારીએ સાધ્વીઓને બચાવી હુમલાખોર શખસને પકડી ભરૂચ તાલુકા પોલીસના હવાલે કરી દીધો હતો.
એક આધેડ વયની વ્યકિતએ તેમનો પીછો કરવાની શરૂઆત કરી
બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચથી શ્વેતાંબર જૈન સાધુ અને સાધ્વીજી વહેલી સવારે મળસ્કે વિહાર કરવા નીકળે છે. ત્યારે ભરૂચથી આશરે 11 કીલોમીટરના અંતરે આવેલ દેરોલ ગામના પાટીયા નજીક 6 જૈન સાધ્વીજી પર હુમલો થયો હોય તેવો બનાવ બનતા સમગ્ર શ્વેતાંબર જૈન સમાજના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ મળસ્કે 4 વાગ્યાના સુમારે ભરૂચ સ્થિત શ્રીમાળી પોળ વિસ્તારમાં આવેલા જૈન દેરાસર ખાતેથી 6 જૈન સાધ્વીજીએ વિહાર એટલે કે પદયાત્રાનો આરંભ કર્યો હતો. મહંમદપુરાથી એક આધેડ વયની વ્યકિતએ તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી. આ વ્યકિતએ માત્ર પીછો નહી કરતા બુમ બરાડા પાડી જૈન સાધ્વીઓને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસે હુમલાખોરની અટકાયત કરી મામલાની નોંધ કરી
જૈન સાધ્વીઓ પોતાના નિયમને આધીન હોવાથી તેઓ જે તે પુરૂષની નજીક પણ જઈ શકતા ન હતા ત્યારે તેમણે આધેડ વયના વ્યકિતને વારંવાર જતા રહેવા સુચના આપી હતી. આવી પરિસ્થિતિમાં વિહાર સેવક એટલે કે કેટલાક અંતર સુધી જૈન સાધ્વીજી સાથે જનાર દેવલભાઈ કેટલાક અંતર સુધી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ રજા લઈને ભરૂચ પરત ફર્યા હતા. જંબુસર માર્ગ પર સાધ્વીજીઓ આગળ વધી રહ્યા હતા, ત્યારે થામ ગામથી દેરોલ ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે હુમલાખોર શખસે સાધ્વીજીઓ પર પટ્ટા વડે હુમલો કરી, લાત મારી નીચે પાડી દઈ માર માર્યો હતો. સદનસીબે આજ સમયે કેસલુ ગામના સતિષભાઈએ આ દ્રશ્ય જોતા તેણે હુમલાખોરને ઝડપી પાડી આ અંગેની જાણ ભરૂચ તાલુકા પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને હુમલાખોરને હિરાસતમાં લીધો હતો. પોલીસે હુમલાખોરની અટકાયત કરી મામલાની નોંધ કરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.