ગુજરાત ATSએ કચ્છમાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં કચ્છના મુન્દ્રા બંદરેથી 75 કિલોથી વધુ માત્રમાં હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેની કિંમત આશરે રૂ. 376 કરોડથી વધુ માનવામાં આવે છે. ગુજરાત ATSએ આ અંગે કાર્યવાહી હાથધરી હતી.
રાજ્યમાં નશાનું દુષણ વધી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું હેરોઈન છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે હેરોઈન ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કોડે (ATS) સપાટો બોલાવી કચ્છના મુન્દ્રા બંદરેથી 75 કિલોથી વધુ હિરોઈન જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 376.50 કરોડ રૂપિયા થાય છે.
કેવી રીતે મળ્યો જથ્થો?
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કપડાની આડમાં હેરોઈનની દાણચોરી કરવામાં આવી હતી. આ જથ્થો દુબઈના જેબેલ અલી બંદરથી કન્ટેનરમાં આવ્યો હતો. ATSના અધિકારીએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ પર હેરોઈન જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે વિશેષ તપાસ થઈ રહી છે જેમાં અનેક મોટા ખુલ્લાસાઓ થવાની સંભાવના છે. જેમાં હેરોઇનનો જથ્થો કાપડનો રોલ જે પુંઠાની પાઇપ ઉપર વિંટાડેલ હતો તે પુંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટીકની પાઇપ મુકી બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બન્ને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારાપેક કરેલ હતો અને પુંઠાની પાઇપ તથા પ્લાસ્ટીકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલ હતો જેથી એક્સ-રે સ્કેનીંગ દરમ્યાન પકડાઇ જવાથી બચી શકાય.
પોલીસના જણાવ્યા અનુસાર, મુન્દ્રા બંદર પર હેરોઈનના જથ્થા અંગે ઈનપુટના આધારે ATS ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સાથે ઓપરેશન કરી રહી હતી. આ હેરોઈનનો જથ્થો એ.ટી.એસ. તથા પંજાબ પોલીસ ની ટીમે શોધી કાઢતા તેને જપ્ત કરી ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ જથ્થો યુ.એ.ઇ.ના અજમાન ફ્રી ઝોનમાં આવેલ ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડીંગ દ્વારા મોકલવામાં આવેલ હતો અને તે પંજાબ મોકલવામાં આવનાર હતો.