
અમદાવાદ, 01 ફેબ્રુઆરી 2024, જૂનાગઢ તોડકાંડ મામલે ગુજરાત એટીએસની ટીમે પૂર્વ પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં આવેલા મકાનમાં દરોડા પાડતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. તરલ ભટ્ટે માધુપુરામાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદિત ભૂમિકા ભજવી હતી અને હવે જૂનાગઢમાં થયેલા તોડકાંડમાં પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું છે. આજે ગુજરાત ATSની ટીમે તરલ ભટ્ટના ઘરે પહોંચી તેમના પરિવારની પૂછપરછ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ઘર તરલ ભટ્ટના પિતાના નામે છે.
બન્ને પીઆઈ અને એએસઆઈ ભૂગર્ભમાં ઊતરી ગયા
ક્રિકેટ સટ્ટાકાંડમાં તરલ ભટ્ટે અમદાવાદના ટી.સી. હુક્કાબારમાં મિટિંગ કરી હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલા રિપોર્ટમાં પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ તોડકાંડ મામલામાં ગુજરાત એટીએસ દ્વારા પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા છે. તરલ ભટ્ટ સહિતના અન્ય આરોપીઓને પણ પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ તોડકાંડની ફરિયાદ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી, પીઆઈ એ.એમ. ગોહીલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ 26મી જાન્યુઆરીના રોજ નોંધવામાં આવી હતી. જે બાદ બન્ને પીઆઈ અને એએસઆઈ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.
તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા માટેની અરજી કરી
જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસએ કાર્યવાહી ઝડપી કરી છે. તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા માટેની અરજી કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, આ કેસમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. આ સાથે આગોતરા જામીન અરજીમાં પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો પણ ઉલ્લેખ છે. આજે જૂનાગઢ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાત એટીએસના અધિકારીઓ ત્યાં હાજર રહે તેવી શક્યતા.
PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે
જુનાગઢ પોલીસ તોડકાંડના મુદ્દે PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે. જેમાં ATSના તપાસનીશ અધિકારીને સેશન્સ કોર્ટનું તેડુ છે. PI તરલ ભટ્ટ નિર્દોષ, ખોટી રીતે ફસાવ્યાની દલીલ કરવામાં આવી છે. જેમાં તરલ ભટ્ટની દલીલો અંગે ચકાસણી કરાશે. ASI દીપક જાનીની માહિતી કોર્ટમાં રજૂ કરવાની શક્યતા છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃદેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા