અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ATSની મુંબઈમાં રેડ, 800 કરોડના MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને દબોચ્યા

અમદાવાદ, 07 ઓગસ્ટ 2024 ગુજરાત ATSએ મહારાષ્ટ્રમાં એક ફ્લેટમાં દરોડો પાડીને MD ડ્રગ્સનું ઉત્પાદન ઝડપી પાડ્યું છે. ગુજરાત ATSએ બે આરોપી પર વોચ રાખીને બાતમીને આધારે રેડ કરી હતી. ફ્લેટમાં MD ડ્રગ્સ બનાવવાની પ્રોસેસ ચાલતી હતી. 11 કિલો સેમી-લિક્વિડ MD ડ્રગ્સ તથા બેરલોમાં ભરેલું 782 કિ.ગ્રા. લિક્વિડ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં અંદાજિત કિંમત 800 કરોડ થાય છે.

સુરતથી પકડાયેલા બે આરોપીઓની પુછપરછમાં માહિતી મળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણાના કારેલી ગામમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં ઝડપાયેલા ત્રણ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચીંચબંદર વિસ્તારમાં રહેતા મોહમદ યુનુસ તથા મોહમદ આદીલ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં MD ડ્રગ્સ બનાવી વેચાણ કરે છે. જેના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડા પાડી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ATSએ ઝડપેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂપિયા 800 કરોડની થાય છે. આ MD ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટસ મળી આવ્યા હતા.

દુબઈ ખાતે મળેલા એક ઈસમની મદદથી ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું
ગુજરાત ATSની ટીમે મોહમદ યુનુસ ઉર્ફ એજાઝ અને મોહમદ આદીલ શેખની ધરપકડ કરી વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, મોહમદ યુનુસ ઉર્ફે એજાઝ દુબઈથી ગોલ્ડ તથા ઈલેક્ટ્રોનિક આઈટમ્સના સ્મગલિંગની પ્રવૃત્તિમાં સામેલ હતો. તેને દુબઈ ખાતે એક અજાણ્યો ઈસમ મળ્યો હતો. જેની સાથે મળી મોહમદ યુનુસ તથા મોહમદ આદીલનાએ એક-બીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર MD ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણ દ્વારા મોટા પ્રમાણમાં નાણાંકીય લાભ મેળવવાનો પ્લાન બનાવ્યો હતો.

ડ્રગ્સ બનાવવા માટે મુંબઈમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો
જે મુજબ મોહમદ યુનુસ તથા મોહમદ આદીલએ ગેરકાયદેસર MD ડ્રગ્સ તૈયાર કરવા છેલ્લા 9 મહિનાથી મહારાષ્ટ્રમાં માણસોની ઓછી અવર-જવરવાળી જગ્યાએ એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. જે જગ્યાએ તેઓએ MD ડ્રગ્સ તૈયાર કરવા રો-મટિરિયલ, સાધન-સામગ્રી એકત્રિત કરી હતી અને કેમિકલ પ્રોસેસ ચાલુ કરી હતી. બંને આરોપીઓની સાથે સાદીક નામનો સહયોગી પણ સામેલ હોવાનું ખૂલ્યું છે. MD ડ્રગ્સ કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કર્યું હતું અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટિક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃહાઈકોર્ટનો આદેશઃ બાઈક ચલાવનાર અને પાછળ બેસનાર બંને એ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે

Back to top button